લંડનઃ લેમ્બેથના કાઉન્સિલર 42 વર્ષીય ઇરફાન મોહમ્મદ પર સેક્સ્યુઅલ અપરાધોના આરોપ મૂકાયા છે. તેમ છતાં ટાઉન હોલની તપાસ સમિતિમાં તેમની નિયુકિતની સંભાવનાના કારણે વિવાદ સર્જાયો છે. સેક્સ્યુઅલ એસોલ્ટના આરોપ મૂકાયા બાદ ઇરફાન મોહમ્મદને જુલાઇ મહિનામાં લેબર પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા હતા. જૂન 2024થી જુલાઇ 2025 વચ્ચેની ઘટનાઓ માટે મોહમ્મદને ડેપ્યુટી કેબિનેટ મેમ્બર પદેથી હટાવી દેવાયા હતા અને લેમ્બેથ કાઉન્સિલની તમામ કમિટીઓમાંથી હકાલપટ્ટી કરાઇ હતી.
હાલ ઇરફાન મોહમ્મદ બરોના ક્લેપહામ વોર્ડમાં સ્વતંત્ર કાઉન્સિલર તરીકે બેસે છે અને તેમની નિયુક્તિ સ્થાનિક ઓથોરિટીની ઇન્વેસ્ટિગેશન કમિટીમાં થાય તેવી સંભાવના છે. લેમ્બેથના લિબરલ ડેમોક્રેટ નેતા કાઉન્સિલર ડોના હેરિસે જણાવ્યું હતું કે, ઇરફાન મોહમ્મદ પર મૂકાયેલા આરોપોની ગંભીરતા જોતાં તેમને કમિટીમાં સામેલ કરવા તદ્દન અયોગ્ય છે. હાલ તેમની સામેના આરોપોના કેસ અદાલતમાં છે. આ નિર્ણયને કારણે કાઉન્સિલના રહેવાસીઓમાં ખોટો સંદેશ જઇ શકે છે.


