લંડનઃ યુકેમાં સેક્સ્યુઅલ અપરાધોમાં દોષી ઠરનારા અપરાધીઓમાં ભારતીય નાગરિકોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. નવા આંકડા અનુસાર વર્ષ 2021થી 2024 સુધીના 4 વર્ષના સમયગાળામાં ભારતીય નાગરિકો દોષી ઠર્યાં હોય તેવા કેસની સંખ્યામાં 257 ટકાનો ઉછાળો નોંધાયો હતો. બીજા ક્રમે 166 ટકાના વધારા સાથે નાઇજિરિયન અને ત્રીજા ક્રમે 160 ટકાના વધારા સાથે ઇરાકી નાગરિક રહ્યાં હતાં. વર્ષ 2024માં સેક્સ્યુઅલ અપરાધના 100 કેસમાં ભારતીય નાગરિકને દોષી ઠરાવાયાં હતાં. વર્ષ 2021માં આ સંખ્યા ફક્ત 28 હતી.
વર્ષ 2021થી 2024 વચ્ચેના 4 વર્ષના સમયગાળામાં અન્ય ગંભીર અપરાધોમાં ભારતીયો દોષી ઠરવાની સંખ્યામાં 115 ટકાનો વધારો નોંધાયો હતો. 2024માં ગંભીર અપરાધોમાં 588 ભારતીય નાગરિકને દોષી ઠરાવાયાં હતાં જેની સામે વર્ષ 2021માં આ સંખ્યા 273 રહી હતી.


