સેક્સ્યુઅલ કેસની અસરઃ પ્રિન્સ એન્ડ્રયુના શાહી ટાઈટલ્સ છીનવાયા

Wednesday 19th January 2022 05:10 EST
 
 

લંડનઃ ડ્યૂક ઓફ યોર્ક પ્રિન્સ એન્ડ્રયુ સામે ચાલી રહેલા સેક્સ્યુઅલ એસોલ્ટ – જાતીય હુમલાના કેસના કારણે શાહી પરિવારની પ્રતિષ્ઠાને પહોંચી રહેલી હાનિને અટકાવવા ક્વીને કઠોર પગલું લઈ પ્રિન્સના શાહી ટાઈટલ્સ છીનવી લીધા છે. આ સાથે તેમની માનદ લશ્કરી ભુમિકાઓ પર પણ રોક લગાવી દીધી છે. ૬૧ વર્ષીય પ્રિન્સ એન્ડ્રયુ સત્તાવાર રીતે કોઇપણ રાજવી વગનો ઉપયોગ કરી શકશે નહિ અને તેમને ૩૧ બેડરૂમના રોયલ મેન્શનમાંથી પણ હાંકી કઢાવાની શક્યતા છે.

જાહેર જનતાના દબાણને વશ થઇ મહારાણીને તેમના બીજા ક્રમના પુત્રના ટાઇટલ્સ છીનવી લેવાની ફરજ પડતાં ડ્યૂકને મોટો ફટકો પડ્યો છે. ડ્યૂક સામેના કેસને આગળ વધારવા ન્યૂ યોર્કની કોર્ટે લીલી ઝંડી આપ્યા બાદ ડ્યૂકને હવે સિવિલ કોર્ટમાં ખટલાનો સામનો કરવો પડશે.

બકિંગહામ પેલેસના નિવેદન અનુસાર મહારાણીની મંજૂરી સાથે ડ્યૂક ઓફ યોર્કના લશ્કરી જોડાણો અને રાજવી લાભો મહારાણીને પરત કરી દેવાયાં છે. પ્રિન્સ એન્ડ્રયુ કોઇપણ જાહેર સેવા બજાવી શકશે નહિ અને તેમણે એક સામાન્ય નાગરિક તરીકે ખટલાનો સામનો કરવો પડશે. રોયલ નેવી, બ્રિટિશ આર્મી અને રોયલ એરફોર્સના નિવૃત્ત અધિકારીઓએ મહારાણીને પત્ર લખી પ્રિન્સ એન્ડ્રયુને માનદ લશ્કરી હોદ્દાઓ પરથી દૂર કરવા માગ કરી હતી.

અમેરિકાની વર્જિનિયા ગિયુફ્રેએ પ્રિન્સ એન્ડ્રયુ પર આરોપ મૂક્યો છે કે તે સગીર વયનીહતી ત્યારે પ્રિન્સે તેના પર કથિત બળાત્કાર કર્યો હતો. વર્જિનિયાનો દાવો છે કે તે ૧૭ વર્ષની હતી ત્યારે તેને પ્રિન્સ એન્ડ્રયુ સાથે સેક્સ કરવા બળજબરીથી લઇ જવાઇ હતી. જોકે,પ્રિન્સ એન્ડ્રયુએ વર્જિનિયાના આરોપો નકારી કાઢ્યાં છે. ન્યૂ યોર્કની કોર્ટે પ્રિન્સ એન્ડ્રયુ સામે કેસ ચલાવવાની પરવાનગી આપી હોવાથી પ્રિન્સની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

પ્રિન્સે ૩૧ બેડરુમનું મેન્શન ગુમાવવું પડશે

પ્રિન્સ એન્ડ્રયુના શાહી ટાઈટલ્સ છીનવી લેવાતા તેમને ૩૧ બેડરૂમ ધરાવતા જ્યોર્જિયન મેન્શનમાંથી તગેડી મૂકાશે અને અપાયેલું પોલીસ રક્ષણ પણ પાછું ખેંચી લેવાશે. પ્રિન્સે વર્ષ ૨૦૦૩માં આ મેન્શન એક મિલિયન પાઉન્ડમાં ૭૫ વર્ષની લીઝ પર લીધું હતું. તેમણે આ ઇમારતના રિનોવેશન પાછળ ૭.૫ મિલિયન પાઉન્ડનો ખર્ચ કર્યો હતો. હાલ આ મેન્શનની ખુલ્લા બજારમાં કિંમત ૩૦ મિલિયન પાઉન્ડ થવા જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter