સેટેલાઈટ કંપની OneWebમાં યુકે ૨૦ ટકા હિસ્સો ખરીદશે

Monday 29th June 2020 08:41 EDT
 
 

લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને ચાન્સેલર રિશિ સુનાકે લંડનમાં વડું મથક ધરાવતા યુએસ લો અર્થ ઓર્બિટ સેટેલાઈટ ઓપરેટર OneWebમાં ૪૦૦ મિલિયન પાઉન્ડમાં ૨૦ ટકા હિસ્સો ખરીદવાને મંજૂરી આપી છે. બ્રેક્ઝિટ પછી યુકેને યુરોપિયન યુનિયનની ગેલિલીઓ સ્પેસ સિસ્ટમનો લાભ મળતો બંધ થવાનો છે. યુકેની લાઈસન્સધારક OneWeb દ્વારા અંશતઃ કોરોના મહામારીના કારણે ૨૭ માર્ચે ચેપ્ટર ૧૧ હેઠળ બેન્કરપ્સી પ્રોટેક્શન માટે અરજી કરી હતી. આ કંપની ઈયુની પ્રતિસ્પર્ધી સિસ્ટમ તરીકે યુકેને સિવિલ/મિલિટરી ટ્રેકિંગ સર્વિસીસ આપતી રહેશે.

સેટેલાઈટ ઓપરેટર OneWeb દ્વારા સેટેલાઈટ કોમ્યુનિકેશન્સથી હાઈ સ્પીડ ઈન્ટરનેટ એક્સેસ પૂરી પાડવા ૬૫૦ સેટેલાઈટના લોન્ચિંગની યોજના સામે કુલ ૭૪ સેટેલાઈટ લોન્ચ કરાયા છે જેમાં, ફેબ્રુઆરીમાં કઝાખસ્તાનના બૈકનુર કોસ્મોડ્રોમ ખાતેથી છોડાયેલા ૩૪ ઉપગ્રહનો પણ સમાવેશ થાય છે. બ્રેક્ઝિટ પછી ઈયુની ગેલિલીઓ સ્પેસ સિસ્ટમનો લાભ મળતો બંધ થવાનો હોવાથી બ્રિટનને સંરક્ષણ અથવા મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પોતાની સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમની જરુર ઉભી થશે. ૯ બિલિયન પાઉન્ડની ગેલિલીઓ સ્પેસ સિસ્ટમમાં તેના વાર્ષિક બજેટમાં વાર્ષિક ૧૨ ટકાના હિસ્સા સાથે યુકે સૌથી મોટું રોકાણકાર હોવાં છતાં, ઈયુએ ૨૦૧૮માં જ યુકેની ભૂમિકા વિશે વાટાઘાટોની ચેતવણી આપી હતી.

વાસ્તવિક ખરીદી ક્યારે થશે તેમજ OneWebની ઉપગ્રહ ઉત્પાદન કામગીરી ફ્લોરાથી ખસેડી બ્રિટન લાવવામાં આવે તેના વિશે કોઈ સ્પષ્ટતા નથી. જોકે, બિઝનેસ સેક્રેટરી આલોક શર્માને આ સોદો પૂર્ણ કરવાની જવાબદારી સોંપી હોવાનું મનાય છે. ઈયુની ગેલિલીઓ અને યુએસની GPS સિસ્ટમ્સ જેવી જ લશ્કરી અને નાગરિક ટ્રેકિંગ સેવા આપે છતાં, ઓછી ઊંચાઈ અને અલગ ફ્રિકવન્સી પર કામ કરે તેવી સિસ્ટમ યુકેને જોઈએ છે. સરકારે અગાઉ પોતાની સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમ વિકસાવવાની યોજના ઘડી હતી પરંતુ, જંગી ખર્ચાને જોતાં પ્રોજેક્ટ પડતો મૂકાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter