લંડનઃ ઈંગ્લેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં ૨૧ માર્ચના સેન્સસ (વસ્તીગણતરી) પૂર્ણ થવાના સત્તાવાર દિવસ પહેલા સેક્સ (જાતિ) ક્વેશ્ચન વિશેનું ગાઈડન્સ બદલવા હાઈ કોર્ટના જજે આદેશ આપ્યો છે. ‘ફેર પ્લે ફોર વિમેન’ ગ્રૂપ દ્વારા આ મુદ્દે કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS) દ્વારા ‘વોટ ઈઝ યોર સેક્સ’ પ્રશ્નનો ઉત્તર આપવા નવી સલાહ જારી કરવામાં આવી છે. જજે આ કેસને સંપૂર્ણ જ્યુડિશિયલ રીવ્યૂમાં આગળ વધવા પરવાનગી પણ આપી હતી. કોરોના વાઈરસના કારણે સ્કોટલેન્ડમાં આ વર્ષે સેન્સસ મુલતવી રખાયેલ છે.
આ વર્ષના સર્વેમાં સેક્સ બાબતે પ્રશ્ન અંગે ONS દ્વારા જણાવાયું હતું કે,‘જો તમે કેવી રીતે ઉત્તર આપવો તે વિચારતા હો તો તમારે તમારા બર્થ સર્ટિફિકેટ, જેન્ડર રેક્ગનિશન સર્ટિફિકેટ અથવા પાસપોર્ટ જેવા કાનૂની દસ્તાવેજો પર રેકોર્ડ કરાયેલી જાતિનો ઉપયોગ કરવાનો રહેશે.’ તેમાં વધુ જણાવાયું હતું કે,‘ જો તમે ૧૬ વર્ષ કે તેથી વધુ વયના હો તો જાતિની ઓળખ વિશે એક સ્વૈચ્છિક પ્રશ્ન છે. આ પ્રશ્નમાં પૂછાયું છે કે તમે જે જેન્ડરની ઓળખ આપતા હો તે તમારા જન્મ સમયે રેકોર્ડ કરાયેલી સેક્સથી અલગ છે. જો તે અલગ હોય તો તમે તેની નોંધ જેન્ડર આઈડેન્ટિટી તરીકે આપી શકો છો.’
જોકે, જસ્ટિસ સ્વિફ્ટે મંગળવાર, ૯ માર્ચે આદેશ કર્યો હતો કે ગાઈડન્સ નવેસરથી લખાવી જોઈએ જેમાં લોકોએ તેમના જન્મ અથવા જેન્ડર રેક્ગનિશન સર્ટિફિકેટમાં નોંધાયેલી સેક્સનો જ ઉપયોગ કરવો જોઈએ તે સ્પષ્ટ કરવા ‘સચ એસ’ અને ‘ઓર પાસપોર્ટ’ શબ્દો દૂર કરાવા જોઈએ. કેમ્પેઈન ગ્રૂપ ‘ફેર પ્લે ફોર વિમેન’ દ્વારા કાનૂની પડકાર માટે ક્રાઉડ ફંડિંગ મારફતે ૧૦૦,૦૦૦ પાઉન્ડ એકત્ર કરાયા હતા. ગ્રૂપે દલીલ કરી હતી કે ONSના શબ્દોમાં પાછલા બારણેથી ‘સેલ્ફ આઈડેન્ટિફિકેશન’ની છૂટ અપાય છે.














