લંડનઃ વિદેશીઓ માટે યુકેમાં મકાન ખરીદવું મોંઘું બની શકે છે. લેવલિંગ અપ સેક્રેટરી ગોવ યુકેમાં આંતરરાષ્ટ્રીય રોકાણકારોને રહેણાંક પ્રોપર્ટી ખરીદતાં અટકાવવા માટે ફોરેન ઓનરશિપ લેવી વસૂલવા ટ્રેઝરી પર દબાણ કરી રહ્યાં છે. જો આ પ્રકારની લેવી લાદવામાં આવશે તો સરકારને તેમાંથી પ્રતિ વર્ષ 1 બિલિયન પાઉન્ડની આવક થઇ શકે છે. આ લેવી યુકેમાં મકાનની માલિકી ધરાવતા એ તમામ વિદેશીઓ પર લાગુ થશે જેમનું પ્રાઇમરી રેસિડેન્સ યુકે નથી. એક અંદાજ પ્રમાણે યુકેમાં અંદાજિત બે લાખ પ્રોપર્ટીના માલિક વિદેશીઓ છે. છેલ્લા 12 વર્ષમાં આ આંકડો બમણો થયો છે. વિદેશી માલિકીની પ્રોપર્ટીની સૌથી વધુ સંખ્યા લંડનમાં છે. લંડનનું પ્રોપર્ટી માર્કેટ વિદેશી રોકાણકારો માટે સેફ હેવન ગણાય છે. ગોવનું માનવું છે કે વિદેશી ખરીદદારો પ્રોપર્ટી માર્કેટને નુકસાન પહોંચાડી રહ્યાં છે. તેમના કારણે રહેણાંક પ્રોપર્ટીની કિંમતોમાં વધારો થઇ રહ્યો છે જેના પગલે સ્થાનિકોને પોતાનું ઘર ખરીદવામાં મુશ્કેલી પડી રહી છે.
સ્ટ્રીટના રહેવાસીઓ મતદાન કરીને મકાન વિસ્તરણને પરવાનગી આપશે
એક સ્ટ્રીટના રહેવાસીઓ સ્થાનિક જનમત લઇને તેમના મકાનને સાત માળ સુધી વિસ્તારી શકશે. આ માટે તેમને પ્લાનિંગ પરમિશન લેવાની જરૂર રહેશે નહીં. સરકાર દ્વારા તૈયાર થઇ રહેલી યોજના અંતર્ગત રહેવાસીઓને તેમની સ્ટ્રીટમાં મકાનના એક્સટેન્શન, બેઝમેન્ટ બનાવવાની પરવાનગી અપાશે. સ્ટ્રીટ વોટ્સ પ્લાન પરની ચર્ચામાં જણાવવામાં આવ્યું હતું કે, રહેવાસીઓને તેમની સ્ટ્રીટમાં મકાનના વિસ્તરણ માટેના મતદાન માટે પરવાનગી આપવાથી વિકાસને વેગ મળશે અને મકાનોની કિંમતમાં પણ વધારો જોવાશે.


