લંડનઃ કંપની સેલેરી સેક્રિફાઇસ સ્કીમ અંતર્ગત કર્મચારી દ્વારા અપાતા પેન્શન યોગદાન પર હવે 2000 પાઉન્ડ પ્રતિ વર્ષની મર્યાદા લાગુ કરવાની ચાન્સેલરે જાહેરાત કરી છે. એપ્રિલ 2029થી આ મર્યાદા અમલી બનશે. સેલેરી સેક્રિફાઇસ સ્કીમ અંતર્ગત જમા કરાવાતા આ યોગદાન પર નેશનલ ઇન્શ્યુરન્સમાંથી રાહત મળતી હોય છે. એપ્રિલ 2029 પછી આ મર્યાદા કરતાં વધુ યોગદાન પર અન્ય એપ્લોઇ પેન્શન યોગદાનની જેમ ટેક્સ ચૂકવવાનો રહેશે. થ્રેશહોલ્ડની મર્યાદાથી ઉપર બેઝિક રેટ પેયર્સને 8 ટકા, હાયર રેટ પેયર્સને 2 ટકા અને એમ્પ્લોયર્સને વધારાના 15 ટકા નેશનલ ઇન્શ્યુરન્સ પેટે ચૂકવવા પડશે.
સેલેરી સેક્રિફાઇસ સ્કીમ્સમાંથી કર રાહતો હટાવી લેવાતાં નોકરીદાતાઓ પર 4.7 બિલિયન પાઉન્ડનો બોજો પડશે. નિષ્ણાતો દ્વારા ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે નોકરીદાતાઓ આ બોજો તેમના કર્મચારીઓ પર નાખી શકે છે.
સરકાર માટે આ પગલું ખજાનો ભરનારું રહેશે. અત્યાર સુધી ચાન્સેલરો આ પગલું લેતાં ખચકાતા હતા હવે પેન્શન યોગદાન પર નેશનલ ઇન્શ્યુરન્સ લાગુ કરી શકાય છે. પેન્શનરો ઇન્કમટેક્સની જેમ નેશનલ ઇન્શ્યુરન્સ ચૂકવતા નથી. ઓછી અને મધ્યમ આવક ધરાવનારાને ઓછી અસર થશે પરંતુ ઉચ્ચ આવક ધરાવનારા દંડાશે.


