લંડનઃ કોઈ પણ ટેકનોલોજીનો દુરુપયોગ કેટલું ખરાબ પરિણામ લાવી શકે તેનો જીવતોજાગતો નમૂનો બ્રેડફર્ડશાયરની ‘સેલ્ફી ક્વીન’ મિશેલ ગોર છે. ઈન્ટરનેટની બંધાણી મિશેલ દિવસના ૨૩ કલાક ઓનલાઈન રહેતી હોવાના કારણે તેને ૨૧ વર્ષની વયે ટિએત્ઝ ડિસીઝ લાગુ પડ્યો છે અને તેની છાતી અને પીઠમાં તીવ્ર પીડા રહે છે.
ઘણા લોકો સેલ્ફીને સમયનો દુરુપયોગ કે નાર્સિસ્ટિક (સ્વપ્રેમ) ગણાવે છે પરંતુ તેનાથી આરોગ્યને નુકસાન થાય તે તરફ ધ્યાન અપાતું નથી. મિસેલ પણ આવું માનતી ન હતી. જોકે, પીઠ અને છાતીમાં નિરંતર દુઃખાવાએ તેની માન્યતા બદલી નાખી છે. બ્રેડફર્ડશાયરની મિશેલ એટલી હદે સેલ્ફીની દિવાની હતી કે દિવસમાં ૨૦૦ જેલા સેલ્ફી લેતી હતી. તેણે સ્નાન દરમિયાન પણ આ પ્રવૃત્તિ ચાલુ રાખી શકાય તે માટે ફોન પર વોટરપ્રૂફ આવરણ લગાવ્યું હતું.
ટેબલેટ, ફોન અને લેપટોપ સહિતના ઉપકરણો પર કલાકો સુધી વાંકા વળેલાં રહેવા પછી તેને ગત વર્ષના જાન્યુઆરીમાં ટિએત્ઝ ડિસીઝનું નિદાન કરાયું હતું. પીઠ અને છાતીમાં અસહ્ય દુઃખાવા પછી મિશેલ તેના જીપી પાસે ગઈ હતી. જીપીએ તેને કહ્યું હતું કે સેલ્ફી અને ઈન્ટરનેટના વળગણથી તેની પાંસળીઓ પર ભારે દબાણ આવતું હતું, જેનાથી છાતી અને પાંસળીઓની વચ્ચે સોજા અને દાહની વિકૃતિ ઉભી થઈ હતી.


