સેવાની ભાવના જેને હૈયે છે અને મોતનો જરા જેટલો પણ ભય નથી એવા માનવીને શું કહેવું? જી હા, આજકાલ દુનિયા આખીમાં 'ઇબોલા' રોગના ભયથી લોકો ગભરાઇ રહ્યા છે અને ઇબોલાગ્રસ્ત વેસ્ટ આફ્રિકાના દેશોમાંથી આવનાર મુસાફરોને પણ ચકાસીને દેશમાં પ્રવેશ અપાઇ રહ્યો છે ત્યારે ભાદરણનો યુવાન ડો. આતીશ પટેલ ઇબોલાથી પીડીત દર્દીઅોને મોતના મુખમાંથી પાછા લાવવા માટે સીયેરા લીયોન ગયો છે. પોતાના દિકરાના આ સાહસથી જાગૃતભાઇ જયરામભાઇ પટેલ અને તેમના પત્ની અલકાબેનની છાતી ગજગજ ફૂલી રહી છે.
કહેવત છે ને કે પુત્રના લક્ષણ પારણામાંથી. દુકાનદાર પિતા જાગૃતભાઇ પટેલના પુત્ર ડો. આતીશની ભાવના પહેલેથી જ સેવા કાર્યો કરવાની રહી છે. ઇમ્પીરીયલ કોલેજમાંથી મેડીસીનની ડીગ્રી મેળવનાર ડો. આતીશે ગત તા. ૫મી ડીસેમ્બરના રોજ બ્રિટીશ સરકારની ટીમ સાથે સીયેરા લીયોન જવા માટે ઉડાન ભરી હતી. આ અગાઉ સીયેરા લીયોનમાં ઇબોલાના ખપ્પરમાં હોમાઇ ચૂકેલા ૪૦૦ દર્દીઅોને જોઇ ચૂકેલા ડો. આતીશ પટેલ હજુ તો ગત જુલાઇ માસમાં જ સીયેરા લીયોનથી પરત આવ્યા હતા અને ત્રણ માસમાં તો પાછા સીયેરા લીયોનની વાટ પકડી છે.
ડો. આતીશ અન્ય તબીબોની ટીમ સાથે લગભગ ત્રણેક માસ સીયેરા લીયોનમાં વિતાવશે અને ત્યાં કોમ્યુનિટી હેલ્થ કેર વોલંટીયર્સને તાલીમ આપશે. જેથી સ્થાનિક પ્રજાને આ ભયાનક રોગચાળા સામે કઇ રીતે રક્ષણ મળી શકે તે અંગે સમજ આપી રોગચાળાને કાબુમાં લઇ શકાય. આ તાલિમના કાર્ય બાદ ડો. આતીશ ફ્રી ટાઉન સીટીથી ત્રણેક કલાકના અંતરે આવેલ મસાંગા હોસ્પિટલ જશે અને તે હોસ્પિટલને 'મસાંગા મેન્ટર ઇનીશીયેટીવ'ના નામથી પુન: શરૂ કરી ઇબોલાગ્રસ્ત દર્દીઅોને સારવાર આપનાર તબીબો સાથે જોડાશે. આ મસાંગા હોસ્પિટલ સીયેરા લીયોનના જંગલોમાં વચ્ચે આવેલી છે અને ટોંકોલીલી જીલ્લાના લોકોને સો બેડની આ હોસ્પિટલમાં અગાઉ ઇમરજ્ન્સી, પીડીયાટ્રીક, મેટરનલ અને સર્જીકલ સગવડ હતી.
ડો. આતીશ અને તેમની ટીમનો ઇરાદો વેસ્ટ આફ્રિકાના ઇબોલાગ્રસ્ત ૧૫ દેશોના સાડા ચાર લાખ વોલંટીયર્સને આગામી ૩ માસમાં સઘન તાલીમ આપવાનો છે. આધુનિક ટેક્નોલોજીની મદદથી વર્ચ્યુઅલ સ્ટીમ્યુલેશન્સ, વેબસાઇટ અને એપ દ્વારા એનીમેશનની મદદથી સામુદાયીક આરોગ્ય અને હાઇજીન અંગે સંદેશ ફેલાવી ઇબોલા રોગ પર કાબુ જમાવવાનો તેમનો ઇરાદો છે.
ડો. આતીશે આ સેવા કાર્યોમાં સહભાગી થઇ શકાય એ આશયે 'વર્જીન મની ગીવીંગ વેબસાઇટ' પર અપીલ કરતા અત્યાર સુધીમાં કુલ £૧૯૦૦ જેટલું દાન એકત્ર થઇ ચૂક્યું છે.
ડો. આતીશ અત્યારે ૨૭ વર્ષની વયના છે અને બીજા તબીબો જ્યારે પૈસા કમાવા માટે જોર લગાવે છે ત્યારે ડો. આતીશ પૈસા તો જીવનમાં બહુ કમાવાશે પણ સેવા કરવા નહિં મળે એમ માને છે અને તેથી જ જંગલોમાં રહી ગરીબ અભણ આદીવાસીઅોની સેવા કરવા માંગે છે. અત્યારે પ્લીમથની ડેરીફર્ડ હોસ્પિટલમાં સેવા આપતા ડો. આતીશના પિતા જાગૃતભાઇ બેટર્સી વિસ્તારમાં કન્વીનીયન સ્ટોર્સ ચલાવે છે અને માતા અલકાબેન ઇનલેન્ડ રેવન્યુમાં સેવા આપે છે.