લંડનઃ અંગત બચતો પર ટેક્સ વસૂલવાની પદ્ધતિમાં બદલાવ કરતા નવા ખરડાને ચાન્સેલર રેચલ રીવ્ઝે મંજૂરી આપી દીધી છે. નવા ખરડાની જોગવાઇ અનુસાર કર્મચારીએ સેલ્સ એસેસમેન્ટ ફોર્મ દાખલ કર્યા વિના તેના વેતનમાંથી જ સીધો સેવિંગ ટેક્સ કપાવવાનો રહેશે.
હાલમાં કરદાતાને બચતો પર સ્ટાન્ડર્ડ રેટ અંતર્ગત પ્રતિ વર્ષ 1000 પાઉન્ડ સુધીનું પર્સનલ એલાઉન્સ મળે છે. જ્યારે હાયર રેટના કરદાતાઓને 500 પાઉન્ડ સુધી કરમાફી મળતી હોય છે. એડિશનલ રેટમાં આવતા 1,25,140 પાઉન્ડ પ્રતિ વર્ષ કરતાં વધુ વેતન ધરાવતા કરદાતાને કોઇ પર્સનલ સેવિંગ્સ એલાઉન્સ અપાતું નથી.
એક અંદાજ પ્રમાણે 3.35 મિલિયન બચતકર્તાઓ આ વર્ષે ટેક્સેબલ સેવિંગ્સ ઇનકમ ધરાવતા હશે. એચએમઆરસી અનુસાર 2.64 મિલિયન બચતકર્તાઓને બિલ મોકલી અપાશે.
એપ્રિલ 2027થી બેન્કોએ સેવિંગ્સ એકાઉન્ટ ધરાવતા વર્તમાન અને નવા ખાતાધારકો પાસેથી નેશનલ ઇન્શ્યુરન્સ નંબર ફરજિયાત લેવાનો રહેશે. આ ખરડો આગામી વર્ષે રજૂ કરાશે અને તેને સંસદના બંને ગૃહની મંજૂરી લેવાની રહેશે.