લંડનઃ ગો ધાર્મિક દ્વારા લૂટન ટાઉન અને ઈન્ડિયન્સ ક્રિકેટ ક્લબ ખાતે બાળકો અને માનવતાવાદી પ્રોજેક્ટ્સ માટે ભંડોળ એકત્ર કરવા સ્પેશિયલ ચેરિટી ક્રિકેટ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિકેટ, અનુકંપા અને કોમ્યુનિટીના આ ઈવેન્ટમાં ભારતીય બોલીવૂડ અભિનેતા સૈફ અલી ખાન તેના બે પુત્રો- તૈમૂર અને જેહ, ફિલ્મનિર્માતા નિખિલ દ્વિવેદી, એન્ટ્રેપ્રીન્યોર શિરિષ સરાફ, ઈંગ્લેન્ડના પૂર્વ સ્પીનર મોન્ટી પાનેસર, પૂર્વ ઈંગ્લેન્ડ ઈન્ટરનેશનલ ઉસ્માન અફઝલ તેમજ અન્ય શુભેચ્છકો ક્રિકેટની ભાવના સાથે સહિયારા ઉદ્દેશમાં સામેલ થયા હતા.
દિવસ દરમિયાન, મહેમાનોને ગો ધાર્મિકની કામગીરી અને વિશ્વમાં સંસ્થા દ્વારા ઉભી કરાયેલી અસર વિશે જાણવાની તક સાંપડી હતી. સૈફ અલી ખાને તેમના પુત્રો સાથે બેટિંગમાં સામેલ થઈ ઈંગ્લિશ સમર ક્રિકેટનો અવિસ્મરણીય અનુભવ મેળવ્યો હતો. તેણે ગો ધાર્મિકના મિશન અને ઈવેન્ટ પાછળની ભાવનાને બિરદાવી હતી.સૈફ અલી ખાને જણાવ્યું હતું કે, ‘ ઘણા પાસે ઘણું છે અને ઘણા પાસે કશું નથી. આપણે દયા, સખાવત અને અનુકંપા સાથે થોડું વધારે કરી શકીએ. તમે આ અદ્ભૂત ચેરિટીની સંભાળ લઈ રહ્યા છો અને હું અહીં તમે સપોર્ટ કરવા આવ્યો છું. બાળકોને બહેતર શિક્ષણ તકો સુલભ થાય તેમાં મદદ કરીને સાચું પરિવર્તન લાવી શકાશે.’
ગો ધાર્મિકના સ્થાપક હનુમાન દાસે જણાવ્યું હતું કે,‘ મને ખરેખર લાગે છે કે સૈફના પિતાએ તેમના કાઉન્ટી ક્રિકેટના દિવસોમાં કોઈક સમયે અહીં રમત રમી હશે. સૈફે 50 રન ફટકાર્યા, તે ખરે જ ખરાબ રમત ન હતી. તમારા જેવા અવાજ પ્રેમ અને કરુણાને પ્રેરિત કરી શકે છે. તમારી પાસે અન્યો માટે કાળજી લેવા લોકોને પ્રોત્સાહિત કરવાની ક્ષમતા છે અને અમે તમારા સપોર્ટ બદલ ભારે આભારી છીએ. અમે માનીએ છીએ કે કોઈ બાળકે કદી ભૂખ્યા શાળાએ જવું ન પડે. સૈફ અલી ખાન અને ઘણા અદ્ભૂત મિત્રો આ ઉદ્દેશમાં સાથે જોડાયા તેનો આનંદ છે.’
એન્ટ્રેપ્રીન્યોર શિરિષ સરાફે જણાવ્યું હતું કે,‘ તેઓ કેટલા બધા લોકો સુધી પહોંચ્યા છે તે બાબત મને સ્પર્શી ગઈ છે. તેમણે (હનુમાન દાસ) ભારતમાં કોવિડ દરમિયાન ઘણું સારું કાર્ય કર્યું હતું. અમે સાથે ખોરાક- દસ લાખથી વધુ મીલ્સનું વિતરણ કર્યું હતું. તેઓ મોટા પાયા પરની કામગીરી, લોજિસ્ટિક્સ, પેશન, પ્રતિબદ્ધતા, પ્રામાણિકતા સાથે કરી રહ્યા છે.’ ક્રિકેટ અને કોમ્યુનિટીના મૂલ્યોનો સાંકળતા દિવસનું મનન કરતા ખેલાડીઓ, પરિવારો અને વોલન્ટીઅર્સના ચહેરા પર સ્મિત સાથે ઈવેન્ટનું સમાપન થયું હતું.


