લંડનઃ ઊંચાઈના પરિણામે આવતી બીમારી અને ઓક્સિજનના અલ્પ પ્રમાણ સામે લડી પિન્નેરમાં રહેતાં ૩૪ વર્ષીય સોનલ લાખાણીએ આફ્રિકાના સૌથી ઊંચા માઉન્ટ કિલિમાન્જારોના શિખરે આહ્લાદક સુર્યોદયનો અનુભવ કર્યો હતો. મોમ્બાસાના શહેરી સ્લમ વિસ્તાર મ્નોનજેનીમાં શાળાના નિર્માણ માટે નાણા એકત્ર કરવા તેમણે આ સાહસ ખેડ્યું હતું. તેમનું લક્ષ્ય એક વર્ગખંડ બાંધવા ૨,૫૦૦ પાઉન્ડ એકત્ર કરવાનું હતું, પરંતુ તેમણે આખરે ૫,૫૦૦ પાઉન્ડનું દાન મેળવ્યું હતું.
આઠ દિવસ સુધી માઈનસ ૨૬ ડીગ્રીના પ્રતિકૂળ હવામાન અને ભારે વરસાદનો સામનો કરી સોનલ લાખાણી લેમોશો ગ્લેડ્સ રુટ પર દિવસના છથી સાત કલાક અને છેલ્લે શિખર સુધી પહોંચવા ૧૫ કલાક લાંબા ટ્રેકિંગ સાથે સાહસમાં સફળ નીવડ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે ગરીબીમાં રહેતાં લોકોનાં જીવનમાં તફાવત લાવવાનો પડકાર ઉઠાવી લેવાનો તેમને આનંદ છે. આ પ્રવાસના આનંદપૂર્ણ સ્મરણો સાથે તેઓ ઈંગ્લેન્ડ પરત ફર્યાં છે. તેમણે કહ્યું હતું કે,‘થાકી જવા છતાં શિખર પર પહોંચીને હું લાગણીશીલ અને રોમાંચિત બની ગઈ હતી. આરોહણ સફળ રહ્યાનું હું માની શકી ન હતી. આગળ વધવા માટે મને અપાયેલા ટેકાની હું આભારી છું.’
ઈવેન્ટ્સ પ્લાનર સોનલ લાખાણીનો જન્મ કેન્યામાં થયો હોવાથી આફ્રિકન ઉદ્દેશને મદદ કરવાની તેમને પ્રેરણા થઈ હતી. મોમ્બાસામાં શાળાના નિર્માણમાં પ્રયાસરત ધ મસ્ટાર્ડ સીડ પ્રોજેક્ટ ચેરિટીને મદદ કરવાનો તેણે નિર્ણય કર્યો હતો. તેમણે એકત્ર કરેલાં નાણા ત્રણથી ૧૧ વર્ષ સુધીના ૨૫ વિદ્યાર્થીઓ માટે નવા વર્ગના નિર્માણ ઉપરાંત, તેને ફર્નિચર, પુસ્તકો, પેન અને પેપર્સથી સજ્જ કરવામાં અને શાળામાં નવું હેલ્થ ક્લિનિક સ્થાપનામાં મદદ કરશે. તેમણે સાહસની સફળતા પછી શાળાના બાળકોની મુલાકાત લઈ તેમની સાથે સમય પણ ગાળ્યો હતો.


