ભારત તેના હીરા, ઝવેરાત અને અલંકારો માટે પ્રાચીન કાળથી પ્રખ્યાત છે. ભારતના રાજા-રજવાડાના સોના, ચાંદી અને અમૂલ્ય રત્નોના દાગીના વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર હતા. આજે પણ ભારત અને વિશ્વના સંગ્રહાલયોમાં રાખવામાં આવેલા ભારતીય અલંકારોના નમૂના મન મોહી લે છે. એટલું જ નહિ, આપણા હીરા-ઝવેરાત માટે તો કેટલાય યુદ્ધો પણ થયા છે. લંડનમાં રાખેલો કોહિનૂર, ઈરાનમાં રાખેલો દરિયાનુર અને નાદેરશાહ લઇ ગયેલો તે મયૂરાસન તેના ઉત્તમ ઉદાહરણ છે.
ભારતીય લોકોનો ઝવેરાત પહેરવાનો શોખ તો એટલો ઘેલો કે આજે પણ વિશ્વમાં સોનાનો બીજા નંબરનો સૌથી મોટો ઉપભોક્તા દેશ ભારત છે. સોનુ કે ચાંદી ભારતમાં મૂડીરોકાણ માટેના પારંપરિક સાધન પણ રહ્યા છે અને કપરા સમયમાં કામ આવે એટલા માટે લોકો સોનુ લઈને રાખી મૂકતાં. લગ્નપ્રસંગમાં પણ સોનુ, ચાંદી ભેટ આપવાની પરંપરા હજુ ચાલુ છે. ભાગ્યે જ સોનામાં કરેલા રોકાણથી કોઈને નુકસાન થયું હોય તેવું જોવા મળ્યું છે. આજે સોનુ છેલ્લા છ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે અને તેની પાછળ વિશ્વમાં ચાલી રહેલી તણાવપૂર્ણ સ્થિતિ જવાબદાર ગણાય છે.
સોના-ચાંદીના દાગીના ઘડનારા પરિવારોમાં રહેલી કલાને વારસાગત શીખવવામાં આવતી અને આજ સુધી તે પરંપરા ટકી રહી છે. એટલા માટે જ જુના સમયથી લઇને આજ સુધી ભારતનો ઝવેરાત બનાવવાનો ઉદ્યોગ અને કળા ખુબ જ સમૃદ્ધ રહ્યા છે. આજે પણ વિશ્વની કુલ જેમ્સ અને જવેલરીની ૨૯ ટકા જરૂરિયાત ભારત પુરી કરે છે. ૩ લાખથી વધારે નાની-મોટી કંપનીઓ જેમ્સ એન્ડ જવેલરી સેક્ટરમાં કાર્યરત છે અને કુલ પચાસેક લાખ લોકોને રોજગારી આપે છે.
ભારત આજે વિશ્વનું સૌથી મોટું હીરા કાપવાં અને ઘડવાનું કેન્દ્ર છે. ભારતનો હીરાનો નિકાસ ૨૦૧૭-૧૮માં ૧૮.૧ બિલિયન ડોલરે પહોંચ્યો હતો અને તે વિશ્વના કુલ નિકાસનો ૧૫ ટકાથી વધારે હિસ્સો હતો. ઝવેરાત અને હીરાની કુલ નિકાસ તો આ સમય દરમિયાન ૪૦ બિલિયન ડોલરથી પણ વધારે રહી છે. ૨૦૧૮-૧૯માં યુકેમાં પણ ભારતે ૧૩૫ મિલિયન ડોલર જેટલી કિંમતના ડાયમંડની નિકાસ કરેલી. આ વર્ષ દરમિયાન ભારતથી યુકેમાં ઝવેરાતની નિકાસમાં ૪૦ ટકાનો ઘડાડો નોંધાયો હતો અને તેનું મૂલ્ય ૫૩૪ મિલિયન ડોલરથી ઘટીને ૨૯૬ મિલિયન ડોલરનું રહ્યું હતું. જોકે આજે જયારે વિશ્વમાં લોકો સોનુ કે ઘરેણાં પહેરવાનું ઓછું કરી રહ્યા છે ત્યારે પણ ભારતમાં સ્થાનિક અને નિકાસની દૃષ્ટિએ હીરા-ઝવેરાતનો ઉદ્યોગ વૃદ્ધિ કરી રહ્યો છે તે આનંદની વાત છે.
આ ક્ષેત્રમાં જેમ્સ એન્ડ જવેલરી એક્સપોર્ટ કાઉન્સિલ ભારતમાં દર વર્ષે આંતરરાષ્ટ્રીય પ્રદર્શન યોજે છે જેમાં દેશ વિદેશથી આ ક્ષેત્રના વેપારી, ઉદ્યોગકારો અને ડિઝાઈનરોને બોલાવવામાં આવે છે. કોઈને રસ પડે તેમ હોય તો એક વાર મુલાકાત લઇ શકાય.
(અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)