લંડનઃ સાત સોમાલી પુરુષોની ગેન્ગ દ્વારા ૧૨ વર્ષ જેટલી નાની બાળાઓની બળાત્કાર અને સેક્સ માટે હેરફેર કરાઈ હોવાની રજૂઆત બ્રિસ્ટોલ ક્રાઉન કોર્ટની જ્યુરી સમક્ષ થઈ હતી. સાત છોકરીઓમાંથી કેટલીકને સેક્સ માટે તૈયાર કરવા ડ્રગ્સ અને આલ્કોહોલ પણ અપાયા હતા. આ પુરુષો સામે બળાત્કાર, જાતીય શોષણ માટે હેરાફેરી, જાતીય હુમલા અને ખોટી કેદ સહિત ૪૬ આરોપો લગાવાયા છે.
બ્રિસ્ટોલ ક્રાઉન કોર્ટમાં સપ્ટેમ્બર મહિનાના આરંભે ટ્રાયલ શરુ કરાઈ હતી, જેમાં આરોપીઓ સાકરિયા શેખ ‘ઝાક’, અબ્દિરહમાન ગલાલ ‘રામસે’, મોહમ્મદ ઓસ્માન ‘આઈ-મેન’, મોહમ્મદ દાહિર ‘કમાલ’, નુરીદીન મોહમુદ ‘અહેમદ’, અબ્દિરશિદ અબ્દુલાહી ‘ઓલ્ડર એબ્સ’ કે ‘એબ્સ’ અને નાસિર મહમૂદ ‘એસ’એ તમામ આરોપો નકાર્યા છે. આરોપીઓએ છોકરીઓને ઓળખતા હોવાનું પણ નકાર્યું હતું.
સોમાલી પુરુષોને મળવા ટ્રેન દ્વારા બ્રિસ્ટોલ જતી છોકરીઓ સામે આચરાયેલા મોટા ભાગના કેસ ૨૦૧૧-૧૨ દરમિયાનના છે. સોમાલી પુરુષો કેટલીક છોકરીઓને તદ્દન સસ્તી ગણતા હતા અને તેમના માટે બળાત્કાર સામાન્ય બાબત થઈ પડી હતી. એક છોકરીએ તેની સાથેના અપરાધો વિશે રાખેલી ડાયરીમાં સેક્સ અને ઓરલ સેક્સ સંબંધે સાંકેતિક શબ્દોનો ઉપયોગ કર્યો છે.

