લંડનઃ 2030માં નેટ ઝીરો ટાર્ગેટ હાંસલ કરવાના પ્રયાસના ભાગરૂપે લેબર સરકાર દ્વારા લાખો પરિવારોને ઘરો પર સોલર પેનલ લગાવવા માટે ગ્રાન્ટ અને સસ્તી લોન આપવામાં આવશે. સરકાર દેશભરમાં ઘરોમાં સોલર પેનલ અને બેટરી લગાવવાનો ખર્ચ ઘટાડવાની યોજના તૈયાર કરી રહી છે.
સરકાર તેની 6.6 બિલિયન પાઉન્ડની વોર્મ હોમ યોજના અંતર્ગત પરિવારોને ગ્રાન્ટ અને લોન આપશે. આગામી વર્ષથી તેનો પ્રારંભ કરાય તેવી સંભાવના છે.
સરકારની યોજના અંતર્ગત ઓછી આવક ધરાવતા ગરીબ પરિવારોને સોલર પેનલ અને બેટરી માટે આર્થિક સહાય ગ્રાન્ટ સ્વરૂપે અપાશે જ્યારે વધુ આવક ધરાવતા પરિવારોને સોલર પેનલ અને બેટરી માટે ઓછા વ્યાજની લોન અપાશે. લોનની રકમ વીજળીના બિલના માધ્યમથી જ પરત ચૂકવી શકાશે.
જે ઘરોમાં સરપ્લસ વીજળી હશે તેને ગ્રીડ દ્વારા ખરીદી લેવાશે અને તેનું વળતર ગ્રાહકોને ચૂકવાશે.

