સોલર પેનલ માટે સબસ્ક્રિપ્શન સ્કીમનો પ્રારંભ કરવાની સરકારની યોજના

સરકાર પાયલટ સ્કીમ્સ માટે 16 મિલિયન પાઉન્ડની સહાય કરશે

Tuesday 23rd January 2024 11:08 EST
 
 

લંડનઃ ગ્રીન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસ અંતર્ગત પરિવારો સબસ્ક્રિપ્શન મોડેલ અંતર્ગત સોલર પેનલો ઇન્સ્ટોલ કરાવી શકશે. વીજળીના બિલ ઘટાડવા માટેના 12 પ્રોજેક્ટ માટે શરૂ કરવામાં આવનારી પાયલટ સ્કીમ્સ અંતર્ગત સરકાર 16 મિલિયન પાઉન્ડની સહાય કરશે.

લંડન સ્થિત સનસેવ કંપનીને ટ્રાયલ સ્કીમ અતર્ગત 2 મિલિયન પાઉન્ડની સહાય કરાશે જે અંતર્ગત કંપની પરિવારોને સોલર પેનલ ફીટ કરાવવા માટે મોબાઇલ ફોનની જેમ માસિક ચૂકવણીનો વિકલ્પ આપશે. સોલર પેનલ ફીટ કરાવવા માટે સંપુર્ણ રકમ એકસાથે જમા કરાવવાની રહેશે નહીં.

સોલર પેનલ ફીટ કરાવવા માટેનો ખર્ચ ઘણો ઊંચો રહેતો હોવાથી પરિવારો ખચકાય છે. સોલર પેનલના કારણે વીજળીના બિલમાં ઘણી રાહત મળતી હોવા છતાં બ્રિટનના ફક્ત 3 ટકા ઘરો પર જ સોલર પેનલ ફીટ થઇ શકી છે.

સોલર પેનલના ઇન્સ્ટોલેશન માટે સરેરાશ 7000 પાઉન્ડનો ખર્ચ આવે છે. જેના પગલે વીજળીના બિલમાં 160થી 420 પાઉન્ડની બચત થઇ શકે છે. તેનો અર્થ એ થયો કે 15થી 20 વર્ષમાં બ્રેક ઇવન પોઇન્ટ પર પહોંચી જવાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter