સોશિયલ કેર માટે વાર્ષિક £૧૮૦નો ટેક્સવધારોઃ NI પેમેન્ટમાં ૧.૨૫ ટકા વધશે

Wednesday 08th September 2021 03:37 EDT
 
 

લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સોશિયલ કેર માટે ભંડોળ ઉભું કરવા વાર્ષિક ૧૮૦ પાઉન્ડનો ટેક્સવધારો જાહેર કર્યો છે. સરેરાશ વેતન ધરાવતા સામાન્ય વર્કિંગ વ્યક્તિએ વધારાના ૧૮૦ પાઉન્ડનો વાર્ષિક ટેક્સ ચૂકવવો પડશે પરંતુ, લાંબા ગાળાની સોશિયલ કેરનો ખર્ચ નોંધપાત્રપણે ઘણો ઘટી જશે. સરકાર વ્યક્તિએ લાંબા ગાળાની સંભાળ માટે ચૂકવવાની મહત્તમ રકમ પર પણ કડક મર્યાદા લાદશે. સરકાર ત્રણ વર્ષના ગાળામાં NHS અને સોશિયલ કેર માટે વધારાના ૩૬ બિલિયન પાઉન્ડ ફાળવશે.

હાલ જે લોકો ડિમેન્શિયા જેવી બીમારીથી પીડાય છે તેમણે આકાશને આંબતા સારવાર અને સંભાળના બિલ્સ ચૂકવવા પડે છે તેવી અયોગ્ય સિસ્ટમનો અંત લાવવાનો હેતુ હોવાં છતાં, ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીના ટોરી ઘોષણાપત્રમાં ઈન્કમ ટેક્સ, VAT અથવા નેશનલ ઈન્સ્યુરન્સના દરમાં ફેરફાર નહિ કરવાના અપાયેલા વચનનો જ્હોન્સન દ્વારા ભંગ કરાયો છે. નવા સુધારા આ મુજબના છેઃ

• સોશિયલ કેરમાં ચૂકવણીમાં મદદ કરવા એપ્રિલ ૨૦૨૨થી નેશનલ ઈન્સ્યુરન્સ પેમેન્ટ્સમાં ૧.૨૫ ટકાનો વધારો થશે. આ ટેક્સ વર્કિંગ લોકો અને તેમના એમ્પ્લોયર દ્વારા ચૂકવાય છે.• એપ્રિલ ૨૦૨૩થી વધારાનું પેમેન્ટ અલગ સોશિયલ કેર લેવી બની જશે. કર્મચારીઓ હેલ્થ અને સોશિયલ કેર ફંડિંગમાં કેટલું વધુ ચૂકવી રહ્યા છે તે પોતાની પે સ્લિપ્સ પર જાણી શકશે.• સામાન્ય નેશનલ ઈન્સ્યુરન્સ પેમેન્ટ્સથી વિપરીત સરકારી પેન્શન માટેની વયથી ઉપરના લોકો કામકાજ કરતા હોય તેમણે પણ એપ્રિલ ૨૦૨૩થી નવી લેવી ચૂકવવી પડશે.• આ લેવી શેર્સમાંથી પ્રાપ્ત ડિવિડન્ડ્સને પણ લાગુ થશે. સમાજમાં સમૃદ્ધ-સૌથી ધનવાન લોકો આ પ્રકારની આવક મેળવતા હોય છે.• આના બદલામાં, સરકાર વર્તમાન સિસ્ટમ નાબૂદ કરશે. વર્તમાન સિસ્ટમ હેઠળ સાતમાંથી એક વ્યક્તિએ ૧૦૦,૦૦૦ પાઉન્ડથી વધુ ખર્ચ સોશિયલ કેર માટે કરવો પડે છે.• ઓક્ટોબર ૨૦૨૩થી ૨૦,૦૦૦ પાઉન્ડથી ઓછી સંપત્તિ ધરાવતી વ્યક્તિની સારસંભાળનો સંપૂર્ણ ખર્ચ સરકાર દ્વારા ચૂકવાશે.• ૨૦,૦૦૦થી ૧૦૦,૦૦૦ પાઉન્ડ વચ્ચેની સંપત્તિ ધરાવતા લોકોએ સારસંભાળના ખર્ચમાં ફાળો આપવાનો રહેશે પરંતુ, સરકાર દ્વારા ફંડનો લાભ મળશે તેથી તેમણે ઓછી ચૂકવણી કરવી પડશે.• ૧૦૦,૦૦૦ પાઉન્ડથી વધુ સંપત્તિ ધરાવતા લોકોએ સારસંભાળ માટે ચૂકવણી કરવી પડશે પરંતુ. સરકાર આને ૨૩,૨૫૦ પાઉન્ડથી વધુ સંપત્તિ ધરાવતી વ્યક્તિએ સંપૂર્ણ ચૂકવણી કરવી પડે છે તેવી વર્તમાન સિસ્ટમ કરતા વધુ વાજબી ગણાવે છે.• કોઈએ પણ જીવનકાળ દરમિયાન ૮૬,૦૦૦ પાઉન્ડથી વધુ ચૂકવણી કરવી નહિ પડે.

સરકારના જણાવ્યા મુજબ આ પદ્ધતિ ન્યાયી રહેશે કારણકે ૨૪,૧૦૦ પાઉન્ડની કમાણી કરતા બેઝિક રેટ કરદાતાએ વાર્ષિક ૧૮૦ પાઉન્ડ, સાપ્તાહિક ૩.૪૬ પાઉન્ડના હિસાબે યોગદાન આપવાનું થશે પરંતુ, ૬૭,૧૦૦ પાઉન્ડની કમાણી કરતા ઊંચા દરના કરદાતાએ વાર્ષિક ૭૧૫ પાઉન્ડ ચૂકવવાના થશે. નીચી આવક એટલે કે ૯,૫૬૮ પાઉન્ડથી ઓછું કમાતા ૬.૨ મિલિયન લોકોને લેવીમાંથી સંપૂર્ણપણે બાકાત રખાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter