લંડન
19મી સદીના અંત ભાગમાં પશ્ચિમના દેશોમાં યોગ પહોંચ્યો ત્યારથી તે એક સ્પોર્ટ અને માનસિક શાંતિ મેળવવાનું સાધન બની રહ્યો છે પરંતુ હવે તેમાં અશ્લિલતાનું તત્વ ઉમેરાતાં ભારતની આ પૌરાણિક આધ્યાત્મિક પ્રક્રિયા પર લાંછન લાગી રહ્યું છે. યોગનું શિક્ષણ આપતા શિક્ષકોએ ચેતવણી ઉચ્ચારી છે કે ઇન્ટરનેટ પર અપાતા શિક્ષણમાં નરી અશ્લિલતા નજરે પડે છે.
અમેરિકાના ટિકટોક યૂઝર ક્વીન ઓફ રેચેટે ચેતવણી ઉચ્ચારી છે કે ટિકટોક પર જો તમે યોગને સર્ચ કરો તો તેમાં નહીંવત કપડાં પહેરેલી મહિલાઓને વિવિધ મુદ્રાઓમાં દેખાડતી અસંખ્ય ક્લિપ મળી આવે છે. યોગનું શિક્ષણ આપનારા લોકો કહે છે કે ઓછા જાણીતા શિક્ષકો યોગને તેના આધ્યાત્મિક મૂળથી દૂર લઇ જઇ રહ્યાં છે.
બ્રિટનમાં યોગના જાણીતા શિક્ષક અને સૂ યોગાના માલિક ક્રિસ્ટિના રિહાનઓફ કહે છે કે યોગમાં જે રીતે સેક્સનું તત્વ ઉમેરાઇ રહ્યું છે તેના કારણે લોકો યોગથી વિમુખ થવાનું જોખમ સર્જાયું છે. ટિકટોક પર યોગના નામે ફરતી અશ્લિલ વીડિયો ક્લિપના કારણે ઘણા યૂઝર્સને પણ આઘાત લાગ્યો છે. એમ લાગે છે કે જાણે તેઓ પોર્ન જોઇ રહ્યાં છે.
નિકિતા દેસાઇ નામના યોગ ઇન્સ્ટ્રક્ટર કહે છે કે મને એ વાતનું આશ્ચર્ય છે કે યોગના નામે આ પ્રકારની અશ્લિલતાને કેવી રીતે ચલાવી લેવામાં આવે છે. ક્રિસ્ટિના કહે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં યોગનું જાણે કે સ્વરૂપ જ બદલાઇ ગયું છે. સોશિયલ મીડિયાએ યોગને આધ્યાત્મિકતાને બદલે ફક્ત શારીરિક પ્રદર્શનનું સાધન બનાવી દીધો છે.


