લંડનઃ લંડનમાં પ્રવાસીઓને નિશાન બનાવી સોશિયલ મીડિયા સ્કેમ દ્વારા ફોન લૂંટતી એક શંકાસ્પદ ગેંગને મેટ્રોપોલિટન પોલીસે ઝડપી પાડી છે. આ મામલે પોલીસે કુલ છ શખ્સોની ધરપકડ કરી છે. આ ટોળકી લોકોનું ધ્યાન ભટકાવવાની ખાસ રણનીતિ અપનાવતી હતી. તેઓ જાહેર જનતા પાસે જઈને તેમને પોતાનો ફોન અનલોક કરવા અને સોશિયલ મીડિયા પર તેમને ફોલો કરવા વિનંતી કરતા હતા. જેવો ફોન અનલોક થાય, કે તરત જ આરોપીઓ ફોન આંચકીને ફરાર થઈ જતા હતા.
મેટ પોલીસના જણાવ્યા અનુસાર, ફોન ચોરી રોકવી એ તેમની પ્રાથમિકતા છે. છેલ્લા એક વર્ષમાં ફોન ચોરીના ગુનાઓમાં 13,000નો ઘટાડો થયો છે. જાન્યુઆરીમાં 'ઓપરેશન રેકનિંગ' હેઠળ 248ની ધરપકડ કરવામાં આવી હતી. ઈ-બાઈક દ્વારા થતા ગુનાઓમાં લગભગ 40 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
મેટ કમિશનર સર માર્ક રોલીએ ફોન ઉત્પાદકો અને ટેક કંપનીઓને ચોરાયેલા ઉપકરણોનું રીસેલિંગ રોકવા માટે કડક પગલાં લેવા આહવાન કર્યું છે. તેમણે ઉદ્યોગો માટે 1 જૂન સુધીની સમયમર્યાદા નક્કી કરી છે, જેથી ચોરાયેલા ફોન બિનઉપયોગી બની જાય. જો આ દિશામાં પ્રગતિ નહીં થાય, તો પોલીસ સરકારને કાયદાકીય કાર્યવાહી કરવા વિનંતી કરશે.


