લંડનઃ ભારતના ગુજરાતમાં પરીક્ષા પેપરો લીક થવાની ઘણી ઘટનાઓ સામે આવી છે પરંતુ યુકેમાં પણ સોશિયલ મીડિયા સ્કેમરો વિદ્યાર્થીઓને સેંકડો પાઉન્ડમાં પરીક્ષાના પેપર વેચી રહ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં છે. તેમનો દાવો છે કે આ લીક થયેલા જીસીએસઇ અને એ-લેવલ એક્ઝામ પેપરો છે પરંતુ તે બનાવટી હોવાની વધુ સંભાવના છે.
જીસીએસઇના એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, તેને ઇન્સ્ટાગ્રામ પર એક વ્યક્તિ દ્વારા 500 પાઉન્ડમાં પેપર વેચવાની ઓફર અપાઇ હતી. જોકે એક્ઝામ બોર્ડનો દાવો છે કે પરીક્ષા પેપરો લીક થવાની સંભાવના નહીંવત છે. હા, વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરતા બનાવટી પરીક્ષા પેપરો એક્ઝામની સિઝનમાં આ રીતે સોશિયલ મીડિયા પર વેચાઇ શકે છે. આ પ્રકારના સ્કેમ સામાન્ય બની રહ્યાં છે. સ્કેમરો સોશિયલ મીડિયા પર એક્ઝામ પેપરના 7.50 પાઉન્ડથી 4000 પાઉન્ડ વસૂલી રહ્યાં છે.
ઇન્સ્ટાગ્રામ, ટિકટોક અને સ્નેપચેટે જણાવ્યું હતું કે, આ પ્રકારની છેતરપિંડી કરતી પ્રવૃત્તિઓ તેમના નિયમોની વિરુદ્ધ છે. જો કોઇને પણ આ પ્રકારના એકાઉન્ટની માહિતી મળે તો અમને જાણ કરે. એક્ઝામ રેગ્યુલેટર ઓફક્વાલે જણાવ્યું હતું કે, છેતરપિંડી કરતા કોઇપણ વિદ્યાર્થી ઝડપાશે તો તેના પર પરીક્ષા પ્રતિબંધ મૂકી દેવાશે.
15 વર્ષની એક વિદ્યાર્થિનીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, તેણે પહેલીવાર ટિકટોક પર જીસીએસઇના એક્ઝામ પેપર વેચવાનો દાવો કરતા એકાઉન્ટ જોયાં હતાં. આમાંના એક એકાઉન્ટ હોલ્ડર સાથે ચેટ કરતાં તેને ઇન્સ્ટાગ્રામ પર પેપર વેચનારનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું. મારી પાસે એક પેપરના 500 પાઉન્ડ માગવામાં આવ્યા હતા. જોકે આ કિંમત મારા માટે ઘણી હતી પરંતુ હું એવા વિદ્યાર્થીઓને જાણુ છું જેમણે 900 પાઉન્ડ આપીને આ પેપર ખરીદ્યું હતું.
બીજા એક વિદ્યાર્થીએ બીબીસીને જણાવ્યું હતું કે, તેણે ગયા વર્ષે જીસીએસઇ મેથ્સ એક્ઝામ માટે એક સોશિયલ મીડિયા એકાઉન્ટને 60 પાઉન્ડ ચૂકવ્યા હતાં.


