સોશિયલ મીડિયાને લીધે સગીર પ્રેગનન્સીમાં ૫૦ ટકાનો ઘટાડો

Monday 27th March 2017 12:33 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં છેલ્લાં પાંચ વર્ષમાં સગીરાવસ્થામાં પ્રેગનન્ટ થવાનાં વલણમાં ૫૦ ટકાનો ઘટાડો થયો છે. ફેસબુક જેવાં સોશિયલ મીડિયાને કારણે ૧૮ વર્ષથી ઓછી ઉંમરની કિશોરીઓમાં ગર્ભધારણના વલણમાં નોંધપાત્ર ઘટાડો થયાનું જાણવા મળ્યું છે. નવી સમજદાર પેઢી હવે સ્મોકિંગ, શરાબનું વ્યસન તેમજ ડ્રગ્સનાં દૂષણથી દૂર રહે છે. તાજેતરના આંકડા મુજબ ૧૮થી ઓછી વયની છોકરીઓ હવે વહેલી સગર્ભા બનવા ઇચ્છતી નથી. ફેસબુક, ટ્વિટર તેમજ ઇન્સ્ટ્રાગ્રામ જેવા સોશિયલ મીડિયાને કારણે યુવાન પેઢીની વર્તણૂકમાં આમૂલ પરિવર્તન આવ્યું છે.

ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ૨૦૧૫માં સગીરાવસ્થામાં સગર્ભા બનવાનું પસંદ કરનાર છોકરીની સંખ્યા ૨૦,૩૫૧ નોંધાઈ હતી, જે ૨૦૧૪માં ૨૨,૬૫૩ હતી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ એન્ડ કેર એક્સલન્સની ૨૦૧૪ની ગાઇડલાઇન્સ મુજબ સ્કૂલોમાં છોકરીઓને મોર્નિંગ આફ્ટર પિલ્સ મફત આપવાથી પણ તેઓમાં ગર્ભાવસ્થાનું પ્રમાણ ઘટ્યું હતું. ૨૦૦૧માં ટોની બ્લેર સરકારે ૧૬ વર્ષની ઉમરની છોકરીઓને ગર્ભનિવારક ગોળીઓ આપવાની શરૂઆત કરી હતી. કેટલીક સ્કૂલો દ્વારા યુવતીઓને સગર્ભાવસ્થા નિવારવા પ્રોત્સાહનો આપવામાં આવે છે.

બ્રિટનની ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ દ્વારા જાહેર આંકડા મુજબ સેક્સ એજ્યુકેશનને કારણે છોકરીઓમાં સગર્ભા બનવાનું વલણ ઘટ્યું હતું તેમજ સોશિયલ મીડિયાને કારણે નાની ઉંમરે માતા નહિ બનવાની જાગૃતિ વધી હતી. ગર્ભનિવારણની ગોળીઓ સહેલાઈથી મળવાથી પણ છોકરીઓ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લઈને સગર્ભાવસ્થા નિવારતી હતી.

વર્ષ ૨૦૧૫માં ૧૫-૧૭ વયજૂથની દર ૧૦૦૦ કિશોરીમાંથી ફક્ત ૨૧ છોકરીએ જ સગર્ભા થવાનું પસંદ કર્યું હતું. આ દર ૨૦૦૭માં દર ૧૦૦૦ દીઠ ૪૨ છોકરીનો હતો ૧૬ વર્ષથી ઓછી વયની છોકરીઓમાં પણ આવું જ પ્રમાણ જોવા મળ્યું હતું. આ સમયગાળામાં ૧૩-૧૫ વયજૂથની દર ૧૦૦૦ છોકરી દીઠ ૩.૧ છોકરીઓએ સગર્ભા બનવાનું પસંદ કર્યું હતું, જે પ્રમાણ અગાઉ ૮.૧ હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter