લંડનઃ હેમ્પશાયરની પીટર્સફિલ્ડ બુકશોપને સોશિયલ મીડિયા પર અપીલના પરિણામે એક જ દિવસમાં ઓનલાઈન બુક્સ ખરીદવા ૧૦૦૦ પાઉન્ડથી વધુના ઓર્ડર્સ મળ્યા હતા. બુકશોપ દ્વારા મંગળવાર ૧૪ જાન્યુઆરીએ ટ્વીટર એકાઉન્ટ પર જણાવાયું હતું કે એક દિવસમાં કોઈ પુસ્તક વેચાયું નથી. આ ઘટના ૧૦૦ વર્ષમાં પ્રથમ વખત જ થઈ છે. ફેન્ટસી લેખક નીલ ગેઈમાન દ્વારા આ અપીલ તેમના ૨.૮ મિલિયન ટ્વીટર ફોલોઅર્સ સાથે શેર કરવામાં આવી હતી.
પીટર્સફિલ્ડ બુકશોપ દ્વારા ટ્વીટ કરાયું હતું કે ૧૦૦ વર્ષમાં પહેલી વખત જ આખા દિવસમાં પુસ્તક વેચાણમાં સિંગલ પેનીનો પણ વકરો થયો ન હતો. આ ટ્વીટ લેખક નીલ ગેઈમાને નિહાળી હતી અને તેમણે પોતાના પ્રશંસકોને રીટ્વીટ કર્યું હતું. આ પછી બુકશોપને ગણતરીના કલાકોમાં ૧૦૦૦થી વધુ પાઉન્ડના ઓર્ડરનો ઢગલો થઈ ગયો હતો.
બુકશોપમાં ૧૩ વર્ષથી કામ કરતા શોપ આસિસ્ટન્ટ રોબર્ટ સેન્સોમે ખાલી શોપના કેટલાક ફોટો પણ ટ્વીટર પર મૂક્યા હતા. બુક સ્ટોરની વેબલિન્ક પણ મૂકીને જાન્યુઆરી મહિનાના સ્પેશિયલ ૨૫ ટકાના ડિસ્કાઉન્ટનો લાભ લેવા પુસ્તકરસિયાઓને જણાવ્યું હતું. બુકશોપના સોશિયલ મીડિયા એકાઉન્ટર તો ૧૫ કલાકમાં વિશ્વના ખૂણાઓમાંથી નવા ૧૧૦૦ ફોલોઅર્સ આવી ગયા હતા અને ૧૦૦૦ પાઉન્ડથી વધુના ઓનલાઈન ઓર્ડર મળ્યા હતા. મેસેજીસ અને ઓર્ડર્સની વિનંતીનો મારો એટલો વધી ગયો કે રોબર્ટે તેમનો પ્રત્યુત્તર આપવાનું બંધ કરવું પડ્યું હતું.
રોબર્ટે આખા દિવસમાં એક પણ પુસ્તકનું વેચાણ ન થયાની ઘટનાને અસામાન્ય ગણાવી કહ્યું હતું કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં વેચાણ મંદ રહેતું હોય છે પરંતુ, ૧૦૦ વર્ષમાં આ પ્રથમ ઘટના હતી.