લંડનઃ બ્રિટિશ ન્યૂઝપેપર્સ એડિટર્સનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા સોસાયટી ઓફ એડિટર્સે યુકે મીડિયા રેસિસ્ટ અથવા ધર્મઝનૂની નહિ હોવાનો દાવો પાછો ખેંચી લીધો છે. આવો દાવો ઈન્ડસ્ટ્રીના પોતાના અનુભવોનું પ્રતિબિંબ પાડતો નહિ હોવાનું બિનગોરા જર્નાલિસ્ટ્સે જણાવ્યા પછી તેમના છ મહિનાના દબાણ હેઠળ સંસ્થાએ દાવો પાછો ખેંચ્યો હતું. સોસાયટી ઓફ એડિટર્સે કહ્યું હતું કે તેઓ તેમના પૂર્વ ડાયરેક્ટર ઈઆન મરેએ માર્ચ મહિનામાં આપેલા નિવેદનોને હવે તેઓ સમર્થન આપતા નથી અને ઈન્ડસ્ટ્રીમાં વિવિધતાને સુધારવા કામ કરશે.
પતિ પ્રિન્સ હેરી સાથેના સંબંધોનું મીડિયા દ્વારા કરાતું નકારાત્મક કવરેજ તેમના ત્વચાના રંગથી પ્રેરિત હોવાના ડચેસ ઓફ સસેક્સના દાવાઓને મરેએ ફગાવી દીધા હતા. બ્રિટિશ મીડિયા રેસિસ્ટ નહિ હોવાના મરેના નિવેદનોની તરફેણ અને વિરુદ્ધનો મત સર્જાયો હતો. આ વિવાદના પગલે મરેએ રાજીનામું આપ્યું હતું અને સંસ્થામાં કટોકટી સર્જાઈ હતી.
ગયા મહિને નવા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે ડોન એલ્ફોર્ડની વરણી થયા પછી ૧૦૦થી વધુ બિનગોરા જર્નાલિસ્ટોએ રેસિઝમનો ઈનકાર કરાયાથી ઉભી થયેલી અસરોનો સામનો કરવામાં સંસ્થાએ યોગ્ય કામગીરી નહિ કર્યાનું જણાવ્યું હતું. એલ્ફોર્ડે હવે મૂળ દાવામાંથી સત્તાવાર પીછેહઠ કરી કહ્યું છે કે તેમના પુરોગામીની રેસિઝમ મુદ્દે ટીપ્પણીઓ મીડિયા સહિત સમાજના તમામ જટિલ, પડકારજન્ય અને પરિવર્તનકારી પ્રક્રિયાનું પ્રતિબિંબ પાડતી નથી.