લંડનઃ નોર્થવૂડમાં સેન્ટ માર્ટિન્સ સ્કૂલના ૧૧ વર્ષના ભારતીય વિદ્યાર્થી સોહન દેસાઈને બાળકો માટેના ન્યૂઝપેપર ‘First News’માં એડિટર-ઈન-ચીફ તરીકે પોતાની એવોર્ડવિજેતા સ્ટોરી મૂકવાની તક સાંપડી હતી. છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો સોહન ગિલ્ડ ઓફ ફૂડ રાઈટર્સ રાઈટ ઈટ સ્પર્ધાની ૧૧-૧૪ વર્ષની કેટેગરીમાં વિજેતા બન્યો હતો. તેણે ‘ફૂડ એન્ડ સેલિબ્રેશન’ આર્ટિકલ લખ્યો હતો. સોહને પોતાના જ આર્ટિકલનું એડિટિંગ કર્યું હતું.
તેણે બીજી જુલાઈએ લંડનના બોરો માર્કેટ કૂક હાઉસમાં ગિલ્ડ ઓફ ફૂડ રાઈટર્સ દ્વારા આયોજિત લંચમાં હાજરી આપી હતી અને શોર્ટલિસ્ટ કરાયેલા અન્ય સભ્યો સાથે જજીસની મુલાકાત લીધી હતી. લંચ પછી વિજેતા આર્ટિકલ્સની જાહેરાત કરી હતી. સોહને જણાવ્યું હતું કે, ‘કોઈના દ્વારા મારું નામ જણાવાય તે સાંભળી મને ઘણું સારું લાગ્યું હતું. મેં ખરેખર ગૌરવ અનુભવ્યું હતું.’ સોહનને સ્કૂલ એસેમ્બલીમાં ગોલ્ડ સ્ટાર એચીવમેન્ટ બેજ અપાયો હતો. તેને ઈનામરુપે રસોઈના અઢળક પુસ્તકો, તેના ખુદ અને સેન્ટ માર્ટિન સ્કૂલ માટે ન્યૂઝપેપરનું એક વર્ષનું નિઃશુલ્ક લવાજમ પણ મળ્યું છે.
સોહને જણાવ્યું હતું કે, ‘મારી હાફ ટર્મ દરમિયાન ગિલ્ડ ઓફ ફૂડ રાઈટર્સ રાઈટ ઈટ સ્પર્ધાની ૧૧-૧૪ વર્ષની કેટેગરીમાં હું શોર્ટલિસ્ટ કરાયો હોવાનું જાણીને મને આશ્ચર્ય અને આનંદ થયો હતો. અમે જ્યારે અમારા અંગ્રેજીના લેસનમાં ફૂડ અને સેલિબ્રેશનના વિષયમાં વર્ણનાત્મક લેખ લખવા સંબંધે વાત કરી હતી ત્યારે મને દિવાળી વિશે લખવાનો જ વિચાર આવ્યો હતો. રંગ, સુગંધ અને સ્વાદના વૈવિધ્યનું વર્ણન કેવું સુંદર લાગે. મારા પરિવારમાં દર વર્ષે દિવાળી ઉજવાય છે અને તેના ભાગરુપે ફૂડ, ફેમિલી અને ફાયરવર્ક્સનું વિશેષ મહત્ત્વ રહે છે.’