લંડનઃ વિશ્વના સૌથી ઘાતકી ગણાતા રોગ ટીબી (ટ્યુબરક્યુલોસિસ)એ બ્રિટનમાં દેખા દીધી છે. ઇસ્ટ સસેક્સની પ્રાથમિક શાળામાં ટીબીનો એક કેસ સામે આવતાં મેરિડિયન કોમ્યુનિટી પ્રાયમરીના સ્ટાફ અને વિદ્યાર્થીઓના વાલીઓને તે અંગે ચેતવણી જારી કરાઇ છે.
છેલ્લા કેટલાંક વર્ષમાં ઇંગ્લેન્ડમાં આ ઘાતકી વિક્ટોરિયન રોગના કેસમાં વધારો જોવા મળ્યો છે. ડિસેમ્બર 2024મા આરોગ્ય સત્તાવાળાઓ દ્વારા જનતાને રોગના લક્ષણો અંગે સાવચેત રહેવાની ચેતવણી પણ જારી કરાઇ હતી. ઇસ્ટ સસેક્સની શાળામાં પબ્લિક હેલ્થ પ્રોટેક્શન ટીમ દ્વારા ચકાસણી શરૂ કરાઇ છે.
ટીબીના દર્દી સાથે સંપર્કમાં આવેલા બાળકો અને શિક્ષકોના રોયલ એલેક્ઝાન્ડ્રા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે જરૂરી ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. અન્ય વિદ્યાર્થીઓના ટેસ્ટ શાળા ખાતે જ કરવામાં આવી રહ્યાં છે.
હેલ્થ સિક્યુરિટી એજન્સીની ટીમે જણાવ્યું છે કે અમે નેશનલ ગાઇલાઇન્સને અનુસરીને શાળા સાથે મળીને કામ કરી રહ્યાં છીએ. ટીબીનો પ્રસાર વધુ ન થાય તે માટે અમે સ્ક્રિનિંગ સહિતના પગલાં લઇ રહ્યાં છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે ટીબી માનવ ઇતિહાસનો સૌથી ઘાતકી રોગ છે. આજે પણ વિશ્વમાં ટીબીના કારણે દર વર્ષે લાખો લોકોના મોત થાય છે.