લંડનઃ યુકેના શ્રેષ્ઠ GP માં એક ગણાયેલા પ્રોફેસર કમલેશ ખૂંટીના ડાયાબિટીસ સંબંધિત સંશોધને તેમને બ્રિટનના સૌથી પ્રભાવશાળી 50 એશિયનોની યાદીમાં સ્થાન અપાવ્યું છે. લેસ્ટરસ્થિત આંતરરાષ્ટ્રીય સંશોધક પ્રોફેસર કમલેશ ખૂંટી CBE એ ‘Britain’s 101 Most Influential Asians 2022’ યાદીના ટોપ 50માં સ્થાન હાંસલ કર્યું છે. પ્રોફેસર ખૂંટીને ટાઈર-2 ડાયાબિટીસ સંબંધિત કાર્ય તથા આરોગ્ય અસમાનતાના કારણોની તપાસ માટે સન્માનિત કરાયા છે. પૂર્વ ચાન્સેલર રિશિ સુનાક પણ આ યાદીમાં મોખરે છે જ્યારે સાથી કન્ઝર્વેટિવ સાંસદો સાજિદ જાવિદ અને પ્રીતિ પટેલ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.
સંશોધન, શિક્ષણ અને ઈનોવેશનના ક્ષેત્રે વિશ્વભરમાં નામનાપ્રાપ્ત લેસ્ટર ડાયાબિટીસ સેન્ટરના કો-ડાયરેક્ટર પ્રોફેસર ખૂંટી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ રિસર્ચ (NIHR) એપ્લાઈડ રિસર્ચ કોલબોરેશન (ARC) ઈસ્ટ મિડલેન્ડ્સના પણ ડાયરેક્ટર છે. પ્રોફેસર ખૂંટીને નવા વર્ષના ઓનર્સ લિસ્ટ 2022માં આરોગ્ય ક્ષેત્રની સેવા સંદર્ભે CBE થી સન્માનિત કરાયા હતા. દેશના સાપ્તાહિક મેડિકલ પ્રકાશનોમાં એક પલ્સ મેગેઝિન દ્વારા વર્ષ 2011માં જારી કરાયેલી યાદીમાં દેશના સૌથી પ્રભાવશાળી GP માં એક તરીકે તેનો નામોલ્લેખ કરાયો હતો.
પોતાની તાજેતરની સિદ્ધ સંદર્ભે પ્રોફેસર ખૂંટીએ જણાવ્યું હતું કે ‘ટાઈપ-2 ડાયાબિટિસ સંશોધન અને આરોગ્ય અસમાનતાના કાર્ય બાબતે યુકેમાં સૌથી પ્રભાવશાળી એશિયનોમાં એક તરીકેની ઓળખ મળવી તે સન્માનની બાબત છે. સમાન પશ્ચાદભૂ સાથેના નોંધપાત્ર લોકો સાથે સંકળાવું તે મારા વારસા અને અને આપણે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ બાબતે ગર્વ અપાવે છે.


