લંડનઃ યુકેમાં આધુનિક કાળના સૌથી મોટા ગુલામી નેટવર્કની પાછળ રહેલી ગેન્ગના આઠ સભ્યોને બર્મિંગહામ ક્રાઉન કોર્ટ દ્વારા જેલહવાલે કરાયા છે. કુલ ૯૨ અસરગ્રસ્ત છે પરંતુ, પાંચ પુરુષ અને ત્રણ મહિલાની આ સંગઠિત ક્રાઈમ ગેન્ગ દ્વારા ૪૦૦થી વધુ લોકોને વેસ્ટ મિડલેન્ડ્સમાં કામ કરવા રખાયા હોવાનું પોલીસ માને છે. બે મજૂર ૨૦૧૫માં આ ગેન્ગની પકડમાંથી નાસી છૂટ્યા બાદ ગુલામીનાબૂદી ચેરિટી ‘હોપ ફોર જસ્ટિસ’ને પોતાની વીતકકથા જણાવતા નેટવર્કનો પર્દાફાશ થયો હતો.
અપરાધીઓ ઈગ્નાસી બ્રેઝિન્સ્કી (૧૧ વર્ષ), જાન સાડો્વસ્કી(૩ વર્ષ), જુલિયાના સોડાકોવિઝ (૭ વર્ષ), જસ્ટિના પાર્ઝેવ્સ્કા (૮ વર્ષ), મારેક બ્રેઝિન્સ્કી (૯ વર્ષ), નટાલિઆ ઝ્મુડા (૪ વર્ષ ૬ મહિના), વોજેસેઈચ નોવાકોવસ્કી (૬ વર્ષ ૬ મહિના), મારેક ચોવાનીસ (૧૧ વર્ષ)ને સજા જાહેર કરવામાં આવી હતી. આઠ અપરાધીઓ બે પોલીશ ક્રાઈમ ફેમિલીઝના સભ્યો અને સહયોગીઓ હતા. તેઓને માનવ તસ્કરી, ફરજિયાત વેઠની કામગીરી કરાવવાનું ષડયંત્ર અને મની લોન્ડરિંગ સહિતના ગુનાઓની અલગ અલગ ટ્રાયલ પછી દોષિત ઠરાવી સજા ફરમાવાઈ હતી. ગેન્ગના સભ્યોએ જૂન ૨૦૧૨થા ઓક્ટોબર ૨૦૧૭ સુધીના ગાળામાં બે મિલિયન પાઉન્ડથી વધુ રકમ મેળવી હતી અને વૈભવી જીવન વીતાવતાં હતાં.
સારાં કામ અને જીવનના વચનથી લલચાવી જૂના કેદીઓ, ગરીબ, ઘરવિહોણાં અને શરાબી લોકોને પોલેન્ડથી ઈંગ્લેન્ડ લવાતા હતાં પરંતુ, તેમની પાસે ફેક્ટરીઓ, ખેતરો અને કચરાનાં રિસાયકલિંગ કેન્દ્રોમાં મજૂરીનું કામ કરાવાતું હતું અને ઉંદરોના ત્રાસવાળા ગંદા મકાનોમાં રખાતા હતાં. અપરાધીઓ તેમને સપ્તાહના ૨૦ પાઉન્ડ જેવી નજીવી રકમ આપતા હતા.


