લંડનઃ બનાવટી ડિઝાઇનર વસ્ત્રોની આયાત નિકાસ કરી મની લોન્ડરિંગ કરનારા 57 વર્ષીય ભારતીય મૂળના આરિફ પટેલને ચેસ્ટર ક્રાઉન કોર્ટ દ્વારા 90 મિલિયન પાઉન્ડ પરત ચૂકવવાનો આદેશ અપાયો છે. આ રકમની વસૂલાત માટે પ્રોસિક્યુશન સર્વિસને આરિફ પટેલની સંપત્તિનું વેચાણ કરવાની પણ પરવાનગી કોર્ટ દ્વારા અપાઇ છે. આ પહેલાં યુકેમાં કરચોરી કરવાના મામલામાં એપ્રિલ 2023માં આરિફ પટેલને તેની ગેરહાજરીમાં જ ખટલો ચલાવીને 20 વર્ષ કેદની સજા ફટકારાઇ હતી. જુલાઇ 2011માં દુબઇ નાસી ગયેલો આરિફ પટેલ ક્યારેય યુકે પરત ફર્યો નથી. જો આરિફ પટેલ આ નાણા પરત નહીં કરે તો તેની મૂળ સજામાં વધારો કરાશે.
ક્રાઉન પ્રોસિક્યુશનના જણાવ્યા અનુસાર આરિફ પટેલ અને તેના 26 જેટલા સાગરિતોએ કપડાં અને મોબાઇલ ફોનની બનાવટી નિકાસ બતાવીને બનાવટી વેલ્યૂ એડેડ ટેક્સ – વેટ દ્વારા બ્રિટિશ સરકાર પાસેથી 33.4 મિલિયન પાઉન્ડ ખંખેરી લીધાં હતાં.

