લંડનઃ યુકેમાં દાયકાઓ પછી સૌથી મોટી શૈક્ષણિક ક્રાંતિના પગરણ મંડાયા છે. વડા પ્રધાન થેરેસા મેએ નવી ગ્રામર સ્કૂલ્સ બનાવવા તરફ કદમ માંડ્યા છે, જેમાં દરેક સ્કૂલ ગ્રામર સ્કૂલ બની શકશે, નવી ફેઈથ સ્કૂલ્સ ૧૦૦ ટકા સિલેક્ટિવ બની શકશે તેમજ યુનિવર્સિટીઓએ પણ સેકન્ડરી સ્કૂલ્સ ખોલવી પડશે. આ પગલાંથી સંખ્યાબંધ ગ્રામર અને સિલેક્ટિવ સ્કૂલ્સ ખૂલી જશે, સાથોસાથ વ્યાપક રાજકીય વિવાદ પણ જન્મ લેશે. જોકે, લેબર પાર્ટી અને ડાબેરી નેશનલ યુનિયન ઓફ ટીચર્સ દ્વારા આ પગલાને પીછેહઠ ગણાવાઈ હતી.
વડા પ્રધાન થેરેસા મેએ જણાવ્યું હતું કે ઈંગ્લેન્ડની દરેક સ્કૂલ ગ્રામર અથવા સિલેક્ટિવ સ્કૂલ બનવા મુક્ત રહેશે. ૧૯૯૮ પછી પહેલી વખત નવી ગ્રામર સ્કૂલ ખોલી શકાશે. આ ઉપરાંત, સ્થાનિક માગણી હોય તો વર્તમાન સરકારી કોમ્પ્રીહેન્સિવ્સ અને એકેડેમીઝનું પણ ગ્રામર સ્કૂલમાં રુપાંતર કરી શકાશે. અધિકારીઓનાં જણાવ્યા અનુસાર આના પરિણામે દેશમાં સેંકડો નવી ગ્રામર અને સિલેક્ટિવ સ્કૂલ્સ ખૂલી જશે. શૈક્ષણિક સુધારાઓમાં • જો શાળાઓ ગરીબ વિદ્યાર્થીઓના ચોક્કસ ક્વોટાને પ્રવેશ આપે અથવા સાથોસાથ નોન-સિલેક્ટિવ સ્કૂલ પણ ચલાવે તો નવી ગ્રામર સ્કૂલ ખોલવાની પરવાનગી અપાશે. • માત્ર ધર્મના આધારે જ વિદ્યાર્થીને પ્રવેશ આપતી કેથોલિક ચર્ચ તથા અન્ય ધર્મોની શાળાઓને નવી પ્રી સ્કૂલ્સ અથવા એકેડેમીઝ ખોલવા પર પ્રતિબંધ લગાવતા નિયમ રદ કરાશે. • વાર્ષિક છ હજાર પાઉન્ડ અથવા વધુ ફી ચાર્જ કરતી યુનિવર્સિટીઓએ સ્થાનિક સ્કૂલ ખોલીને સંચાલન કરવું પડશે અથવા નબળી વર્તમાન શાળાને ચલાવવા ટેકઓવર કરવી પડશે, નો સમાવેશ થાય છે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે આ મહત્ત્વાકાંક્ષી સુધારાનુ લક્ષ્ય એ છે કે દરેક બાળકને સારી શાળામાં જવાની તક મળવી જોઈએ. ૨૦૨૦ પછી વધુ ૧.૪ મિલિયન બાળકોને સારી અથવા શ્રેષ્ઠ શાળાઓમાં અભ્યાસની તક મળી છે. આમ છતાં, હજુ ૧.૨૫ મિલિયન બાળકો નબળી શાળાઓમાં છે, જેમના માટે સારી શાળા પહોંચની બહાર છે. મેને આ ખરડો કોમન્સ અને લોર્ડ્સમાં પસાર કરાવવા રાજકીય લડાઈનો સામનો કરવો પડશે. ટોરી સભ્યોએ પણ ગ્રામર સ્કૂલ્સને સામાજિક ગતિશીલતાની વિરોધી ગણાવી છે. લેબર નેતા જેરેમી કોર્બીન અને તેમના વરિષ્ઠ સાથીઓ ગ્રામર સ્કૂલમાં ભણ્યા હોવાં છતાં લેબર પાર્ટી આ સુધારાઓના વિરોધમાં છે.
આ સુધારાઓમાં સૌથી મોટુ કદમ યુનિવર્સિટીઓને સ્થાનિક શાળા ખોલવામાં સાંકળવાનું છે. વાર્ષિક છ હજાર પાઉન્ડથી વધુ ટ્યુશન ફી ચાર્જ કરતી યુનિવર્સિટીએ નવી શાળા ખોલવી પડે તેવી જોગવાઈ રખાઈ છે. અત્યારે મોટા ભાગની યુનિવર્સિટીઓ વિદ્યાર્થી દીઠ નવ હજાર પાઉન્ડ ફી ચાર્જ કરે છે. આ જોતાં દરેકની દરેક યુનિવર્સિટી આ જોગવાઈ હેઠળ આવશે અને સૌથી સફળ અને શ્રેષ્ઠ ગણાતી યુનિવર્સિટીઓ પણ સ્થાનિક બાળકોના અભ્યાસમાં સીધી રીતે સંકળાઈ જશે.
બીજી તરફ, કેથોલિક ચર્ચ તથા અન્ય ધર્મો માત્ર ધાર્મિક આસ્થાના આધારે વિદ્યાર્થીની પસંદગી કરતી શાળાઓ ખોલી શકશે. નવી ફ્રી સ્કૂલ અથવા એકેડેમીઝમાં ૫૦ ટકા વિદ્યાર્થી જ આસ્થાના આધારે પ્રવેશ મેળવી શકે તેવી મર્યાદા વડા પ્રધાન મે દૂર કરવા માગે છે. ડાઉનિંગ સ્ટ્રીટના સૂત્રો અનુસાર આ મર્યાદા લઘુમતી ધર્મોની શાળાઓને વધુ વૈવિધ્યપૂર્ણ બનાવવામાં નિષ્ફળ રહી છે કારણકે અન્ય ધર્મોના પેરન્ટ્સ તેમના બાળકોને આવી શાળામાં મોકલતાં નથી.


