લંડનઃ વિશ્વમાં સૌથી લાંબો સમય ડાયાલિસિસ પર વીતાવવાનો ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ ધરાવતા સ્ટેનમોરના રહેવાસી મહેશ મહેતાનું 28 ફેબ્રુઆરીના રોજ 69 વર્ષની વયે નિધન થયું હતું. યુગાન્ડામાં જન્મેલા અને માત્ર 18 વર્ષી વયે રિફ્લક્સ નેફ્રોપેથીનું નિદાન થયું અને કિડની ફેઇલ થઇ ત્યારથી મહેશ મહેતા ડાયાલિસિસ પર હતા. તેમણે 51 વર્ષ સુધી ડાયાલિસસ પર જીવન વીતાવ્યું હતું.
હેમોડાયાલિસિસ પર તેમના દાયકાઓ લાંબા સંઘર્ષને કારણે 2017માં ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા તેમને સૌથી લાંબો સમય ડાયાલિસિસ પર રહેનાર વ્યક્તિ તરીકે માન્યતા અપાઇ હતી. તેમણે જીવનકાળમાં સંખ્યાબંધ આરોગ્ય સંબંધિત પડકારોનો સામનો કર્યો હતો. જેમાં બે વાર નિષ્ફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ, ચાલવાની ક્ષમતા ગુમાવવી અને દ્રષ્ટિ ગુમાવવાનો સમાવેશ થા. છે. તેમના પરિવાર અને મિત્રોના જણાવ્યા અનુસાર અનેક પડકારો છતાં તેઓ આજીવન મનોબળ અને દ્રઢ નિશ્ચય સાથે આગળ વધ્યા હતા.
નોર્થવિક પાર્ક હોસ્પિટલના રેનલ સેન્ટરની ચીફ નર્સ અને મહેતાના મિત્ર ક્લેર એડવર્ડ્સે જણાવ્યું હતું: મહેશ મહેતા ઈચ્છતા હતા કે કોઈપણ વ્યક્તિ તેમનો રેકોર્ડ તોડે નહીં, પરંતુ વધુ અંગદાન અને સફળ ટ્રાન્સપ્લાન્ટ થવા જોઈએ જેથી અન્ય લોકોને લાંબા સમય સુધી ડાયાલિસિસ કરાવવાની જરૂર ન પડે.
મહેતા અંગદાન માટે ખાસ કરીને એશિયન અને અન્ય જાતિ સમુદાયોમાં જાગૃતિ લાવવા માટે ખુલ્લા દિલથી અવાજ ઉઠાવતા હતા. તેઓ વારંવાર કહેતા હતા કે તમારા અંગો સ્વર્ગમાં લઈને ન જશો. સ્વર્ગને ખબર છે કે અહીં પૃથઅવી પર આપણને તે અંગોની જરૂર છે. તેઓ અને તેમનો પરિવાર કિડની પેશન્ટ એસોસિએશન સહિતની અન્ય કિડની ચેરિટીઓના જાણીતા સમર્થક રહ્યા હતા.


