લંડનઃ યુકેની સૌથી વયોવૃદ્ધ મકાનમાલિક 106 વર્ષનાં વિનફ્રેડ ફ્લેમિંગે 1945માં માત્ર 800 પાઉન્ડમાં ખરીદેલા મકાનની કિંમત આજે 550,000 પાઉન્ડ બોલાઈ રહી છે. વિનફ્રેડ ફ્લેમિંગને આ સ્થળ એટલું ગમે છે કે તેઓ 77 વર્ષથી આ પ્રોપર્ટીમાં રહે છે. સમયાંતરે મકાનની કિંમત વધી છે જે યુકેના પ્રોપર્ટી બજારમાં ભારે ઉછાળો આવ્યો છે તેનો નિર્દેશ કરે છે.
1945માં 800 પાઉન્ડની ખરીદકિંમતની RPI વાર્ષિક ઈન્ફ્લેશનના હિસાબે ગણતરી કરીએ તો વર્તમાનમાં તે આશરે 37,800 પાઉન્ડ જેટલી થાય. આજે તો લોકોએ આટલી ડિપોઝીટ ભરવી પડે છે. કેન્ટના વેસ્ટ વિકહામના આ પેન્શનર દાદીમાએ1945માં દ્વિતીય વિશ્વ યુદ્ધના અંતે આ ઘર ખરીદ્યું હતું. તેઓ આજે પણ પોતાને ચુસ્ત અને સ્ફુર્તીલા ગણાવે છે અને પોતાની સારસંભાળ લઈ શકે છે. સદીવીર દાદીમાએ ઘરકામમાં મદદ માટે કેરર્સ રાખ્યા છે જે સપ્તાહમાં થોડા દિવસ આવે છે અને માળી ઘરની આગળપાછળની લોનની જાળવણી કરે છે. તેઓ આ ઘર છોડી અન્યત્ર જવાનો વિચાર પણ કરતાં નથી.
વિન કહે છે કે તેમણે આ મકાન ખરીદવા માટે ભારે મહેનત કરેલી છે. તેમની જિંદગી કાફે બિઝનેસ સાથે વણાયેલી હતી જેના તેઓ 28 વર્ષ સુધી માલિક રહ્યાં હતાં. અનેક સંસ્મરણો જોડાયેલા હોવાથી તેમણે કદી આ ઘર છોડવાનો વિચાર સુદ્ધાં કર્યો નથી. તેમના પતિ હેન્રીનું 1997માં અવસાન થયું ત્યાર પછી તેઓ એકલાં જ રહે છે.
ગત વર્ષથી તેમની 84 વર્ષની પુત્રી યુવોન બ્લૂમ સાથે રહેવાં આવી છે જેનું સ્વાસ્થ્ય છેલ્લાં 10 મહિનાથી ખરાબ રહે છે. યુવોનને બાયપોલાર ડિસઓર્ડર છે અને હવે તેની 47 વર્ષીય પુત્રી જેની બ્લૂમ પર આધાર રાખે છે. જેની માતા અને દાદીની સારસંભાળ રાખે છે પરંતુ,વિનને પોતાનું કામ જાતે જ કરવું ગમે છે કારણકે તેમને કોઈનો કંટ્રોલ ગમતો નથી.


