સ્કીલ્ડ વર્કર વિઝા માટેની 38,700 પાઉન્ડની વેતન મર્યાદા અમલી બની

આશ્રિતને યુકેમાં લાવવા માટેની વેતન મર્યાદા 29,000 પાઉન્ડનો 11 એપ્રિલથી અમલ

Tuesday 09th April 2024 11:28 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં કામ કરવા આવતા વિદેશી નાગરિકો માટેના સ્કીલ્ડ વર્કર વિઝા માટેની પગાર મર્યાદા 4 એપ્રિલથી 26,200 પાઉન્ડથી વધીને 38,700 પાઉન્ડ પ્રતિ વર્ષ અમલમાં આવી છે. વિદેશી કામદારો માટેની આ પગાર મર્યાદા કંપનીઓ અને ઉદ્યોગો માટે મુશ્કેલ સ્થિતિ સર્જશે તેવો ભય વ્યક્ત કરાયો છે. બીજીતરફ સરકારને આશા છે કે નવા નિયમોના કારણે બ્રિટનમાં રેકોર્ડ સ્તરે પહોંચેલા ઇમિગ્રેશનમાં ઘટાડો થશે.

વિદેશી હેલ્થ વર્કરોને પોતાના પરિવારને યુકેમાં લાવવા પરના નિયંત્રણો અને માઇગ્રન્ટ્સને સ્પોન્સર કરતા કેર પ્રોવાઇડર્સે કેર ક્વોલિટી કમિશનમાં નોંધણી કરવાના નિયમો 11મી માર્ચથી અમલમાં આવી ગયાં છે. ફેમિલી વિઝા પર પોતાના આશ્રિતોને યુકેમાં લાવવા માગતા લોકો માટેની આવકમર્યાદા 29,000 પાઉન્ડ પણ 11 એપ્રિલથી અમલમાં આવી રહી છે. આ પહેલાં આ આવક મર્યાદા 18,600 પાઉન્ડ હતી.

બિઝનેસ એલડીએનના ડિલિવરી ડિરેક્ટર માર્ક હિલ્ટને ચેતવણી ઉચ્ચારીછે કે સરકારે રાજનીતિ કરતાં અર્થતંત્રને વધુ પ્રાથમિકતા આપવી જોઇએ. પારદર્શક સિસ્ટમ તૈયાર કરવા કંપનીઓ સાથે મળીને કામ કરવું જોઇએ. લંડન અને દેશભરમાં સ્કીલ્ડ વર્કર્સની અછત વર્તાઇ રહી છે ત્યારે વિદેશમાંથી નિયુક્ત કરાતા કર્મચારીઓનો વેતન મર્યાદા વધારવાથી કંપનીઓ મુશ્કેલીમાં મૂકાશે અને વિકાસ માટે જરૂરી એવા ટેલેન્ટેડ કર્મચારીઓને નિયુક્ત કરી શકશે નહીં.

તેમણે જણાવ્યું હતું કે, સરકારે હળવી, પારદર્શક અને પરિણામલક્ષી ઇમિગ્રેશન સિસ્ટમ તૈયાર કરવા કંપનીઓને વિશ્વાસમાં લેવી જોઇએ. સરકારે ઘરેલુ કુશળ કામદારોને પ્રોત્સાહિત કરવા માટે મદદરૂપ બને તેવી લાંબાગાળાની નીતિ તૈયાર કરવી જોઇએ.

સ્ટાર્ટ અપ કંપનીઓએ પણ ચેતવણી આપી છે કે નિયમોમાં બદલાવના કારણે કુશળ કર્મચારીઓની અછત વધુ ગંભીર બનશે.

બ્રિટિશ કંપનીઓ માટે સસ્તા વિદેશી કર્મચારીઓ લાંબાસમયનો વિકલ્પ નથીઃ ક્લેવરલી

હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલીએ સ્કિલ્ડ વર્કર વિઝા માટેની વેતન મર્યાદા લાગુ થયા બાદ જણાવ્યું હતું કે, બ્રિટિશ કંપનીઓ માટે સસ્તા વિદેશી શ્રમિકો લાંબાસમય માટે વિકલ્પ બની રહેશે નહીં. સરકાર નેટ માઇગ્રેશનમાં ઘટાડો કરવા માગે છે તેથી કંપનીઓએ બ્રિટિશ કામદારોની ભરતી કરવા અને મૂડીરોકાણ કરવામાં પોતાની ભુમિકા ભજવવી પડશે. ઉચ્ચ કુશળતા ધરાવતા અને વધુ વેતન મેળવતા કામદારો દ્વારા વધુ પરિણામલક્ષી અર્થતંત્રની આપણી મહત્વાકાંક્ષા ઇમિગ્રેશન પર આધાર રાખી શકે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter