લંડનઃ યુકેમાં અસ્તિત્વમાં જ ન હોય તેવી નોકરી માટે એક એજન્ટને 22,000 પાઉન્ડ ચૂકવીને છેતરપિંડીનો ભોગ બનેલા એક કેર વર્કરની કાનૂની લડત બાદ, હવે આર્થિક શોષણનો ભોગ બનેલા માઇગ્રન્ટ વર્કર્સને મોડર્ન સ્લેવરીના પીડિત ગણાશે.
પાકિસ્તાનના રહેવાસી અલી (નામ બદલ્યું છે) નામના કેર વર્કરનો સંપર્ક એક એજન્ટ સાથે થયો હતો, જેણે તેને યુકેના કેર હોમમાં કામ કરવા માટે સર્ટિફિકેટ ઓફ સ્પોન્સરશિપ અપાવવાની ખાતરી આપી હતી. અલીના એક મિત્રએ આ એજન્ટની ભલામણ કરી હતી અને દાવો કર્યો હતો કે એજન્ટે તેને પણ યુકેમાં નોકરી અપાવવામાં મદદ કરી હતી.
હોમ ઓફિસ તરફથી કથિત અસલી જણાતા સ્પોન્સરશિપ સર્ટિફિકેટ તથા હેલ્થ એન્ડ કેર સ્કિલ્ડ વર્કર વિઝા મેળવ્યા પછી, અલી પોતાની પત્ની અને બે નાના બાળકો સાથે નવી શરૂઆતની આશાએ ઓક્ટોબર 2023માં યુકે પહોંચ્યા હતા. દસ્તાવેજો મેળવવા માટે તેમણે પરિવારજનો પાસેથી મોટું દેવું કર્યું હોવાથી તેઓ વહેલી તકે કામ શરૂ કરવા આતુર હતા.
યુકે પહોંચ્યા પછી, કામ ક્યારે શરૂ થશે તે જાણવા માટે તેઓ આપવામાં આવેલા નંબર પર સતત ફોન કરતા રહ્યા. અંતે જાણવા મળ્યું હતું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. પોતાની બધી જ બચત ગુમાવી દીધી હોવાનું જાણીને અલી ભાંગી પડ્યા હતા.
વર્ક રાઈટ્સ સેન્ટરના ઈમિગ્રેશન વિભાગના વડા લ્યુક પાઇપરે જણાવ્યું કે સંસ્થા સમક્ષ માઇગ્રન્ટ વર્કર્સના ઘણા કિસ્સાઓ આવ્યા છે. સંસ્થા દ્વારા 100થી વધુ કેર વર્કર્સ પર કરાયેલા તાજેતરના સર્વેક્ષણમાં લગભગ 74 ટકા કામદારોએ કોઈને કોઈ પ્રકારના આર્થિક શોષણનો સામનો કર્યો હોવાનું સામે આવ્યું છે.


