લંડનઃ સ્કોટલેન્ડના લોકો આઝાદી મેળવવા બાબતે વિભાજિત છે. સ્કાય ન્યૂઝ માટે દ્વારા કરાયેલા Opinium પોલમાં માત્ર ૫૧ ટકા નાગરિકોને યુકેથી આઝાદી જોઈએ છે પરંતુ, ૨૦૨૩ સુધીમાં નવેસરથી રેફરન્ડમ લેવાની નિકોલા સ્ટર્જનની યોજનાને માત્ર ૩૧ ટકાનું સમર્થન પ્રાપ્ત છે. સ્ટર્જનના ભારે દબાણ છતાં, બોરિસ જ્હોન્સન મતદાન કરાવવાનો સ્પષ્ટ ઈનકાર કરી રહ્યા છે.
સ્કોટિશ લોકો યુકેથી અલગ થઈ આઝાદી મેળવવા ઈચ્છતા હોવાના મુદ્દે વિભાજિત હોવાનું બહાર આવ્યું છે.સ્કાય ન્યૂઝ માટે દ્વારા કરાયેલા Opinium પોલમાં ૫૧ ટકા સ્કોટિશ નાગરિકોએ આઝાદીની તરફેણ કરી હતી. જોકે, ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જનની પાર્ટી SNP અને સહયોગી ગ્રીન્સ દ્વારા ૨૦૨૩ સુધીમાં નવેસરથી જનમત લેવાની મહેતલને માત્ર ૩૧ ટકાએ જ સમર્થન આપ્યું છે. આ જ ટકાવારીમાં લોકોએ કહ્યું કે બીજું રેફરન્ડમ લેવાવું ન જોઈએ.
સ્કોટલેન્ડની ચૂંટણીઓમાં SNPનો વિજય થયો ત્યારે સ્ટર્જને જણાવ્યું હતું કે આ આઝાદી માટે જનાદેશ છે. સ્કોટિશ ફર્સ્ટ મિનિસ્ટરે કહ્યું હતું કે સ્વતંત્ર સ્કોટલેન્ડ કેવું લાગશે તેની રુપરેખા અધિકારીઓ તૈયાર કરી રહ્યા છે. જોકે, બોરિસ જ્હોન્સન લીલી ઝંડી આપે તો જ આઝાદીનો સત્તાવાર રેફરન્ડમ યોજી શકાય તેમ છે અને જ્હોન્સને વારંવાર તે માટે ઈનકાર જ કર્યો છે.
૨-૮ સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા ઓપિનિયમ પોલમાં ૧૦૧૪ મતદારોએ ભાગ લીધો હતો.આગામી બે વર્ષમાં બીજો રેફરન્ડમ યોજવા મે મહિનામાં ૨૭ ટકાએ તરફેણ કરી હતી જે વધીને ૩૧ ટકા થઈ છે. બીજી તરફ, સામાન્ય ચૂંટણી માટે મતદાનની બાબતે ૫૧ ટકા લોકોએ SNPની તરફેણ કરી છે. ટોરી પાર્ટી માટે ૨૧ ટકા (-૪ પોઈન્ટ) અને લેબર પાર્ટી ૧૭ ટકા (-૩ પોઈન્ટ)નો સપોર્ટ જોવાં મળ્યો હતો. લિબ ડેમ્સનો સપોર્ટ એક ટકા ઘટી પાંચ ટકા થયો હતો. સ્કોટિશ પાર્લામેન્ટમાં મે મહિના કરતાં સપોર્ટ ત્રણ પોઈન્ટ વધ્યો છે જ્યારે ટોરી પાર્ટી ૨૧ ટકા (-૧) અને લેબર પાર્ટી ૧૬ ટકા (-૨) નો સપોર્ટ ધરાવે છે.


