સ્કોટલેન્ડ ઈયુ સાથેઃ યુકેથી આઝાદીની માગ બળવત્તર

Wednesday 29th June 2016 07:36 EDT
 
 

લંડનઃ યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવાનો નિર્ણય યુકેની પ્રજા દ્વારા જાહેર કરાયા પછી પણ આંતરિક વિખવાદ વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રેફરન્ડમમાં સ્કોટલેન્ડ અને ઉત્તર આયર્લેન્ડની પ્રજાએ ઈયુમાં રહેવાની તરફેણમાં ચુકાદો આપ્યો છે. આ સ્થિતિમાં સ્કોટલેન્ડની પાર્લામેન્ટ સંસદ બ્રિટનને યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળતા રોકી શકે છે. સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને જાહેર કર્યું હતું કે જો યુકે આર્ટિકલ-૫૦નો ઉપયોગ કરી ઈયુમાંથી બહાર નીકળે તો તેઓ સ્કોટલેન્ડ માટે આઝાદીના બીજો રેફરન્ડમ લેવાનો વિશેષાધિકાર અનામત રાખે છે. કોઈ સ્કોટલેન્ડને તેની ઈચ્છા વિરુદ્ધ ઈયુમાંથી બહાર ખેંચી રાખી શકશે નહિ.

જોકે, સ્ટર્જનની સ્કોટિશ નેશનલ પાર્ટી સંસદમાં બહુમતી ધરાવતી નથી. આ માટે તેણે વિપક્ષ લેબર પાર્ટીનો સાથ લેવો પડશે. ઉલ્લેખનીય છે કે લેબર પાર્ટી કોઈ પણ સંજોગોમાં યુરોપિયન યુનિયનમાં રહેવા માગતી હતી, પરંતુ કોર્બીનના ઢીલા પ્રચારની લોકો પર કોઈ જ અસર થઈ ન હતી. બ્રિટનમાં વિપક્ષ લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીન પર બ્રેક્ઝિટ પછી રાજીનામાનું દબાણ છે.

નિકોલા સ્ટર્જન સહિત કેટલાક સ્કોટિશ નેતાઓ કોઈ પણ સંજોગોમાં સ્કોટલેન્ડને યુરોપિયન યુનિયનમાં રાખવા મક્કમ છે. સ્ટર્જને બ્રેક્ઝિટ માટે 'બંધારણીય સંમતિ' નહીં આપવાનું સૂચન પણ સ્કોટલેન્ડ સરકારને કરતા કહ્યું છે કે આપણે બ્રિટનને યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળતું રોકવા બ્લોક કરી શકીએ છીએ. બીજી તરફ, બ્રિટનમાં લોકોનો બ્રેક્ઝિટતરફી ચુકાદો આવ્યો હોવા છતાં જોકે, હવે સ્કોટલેન્ડ સંસદ શું નિર્ણય લે છે એ પછી સ્થિતિ સ્પષ્ટ થશે. સ્ટર્જને કહ્યું હતું કે, આ મુદ્દે સ્કોટલેન્ડ પાર્લામેન્ટની સંમતિની જરૂર જ ના પડે એ હું માની શકતી નથી.

બ્રેક્ઝિટ પછી સ્કોટલેન્ડના લોકોમાં બ્રિટનથી અલગ થવાનો પણ લોકમત લેવાય એવી પણ માગ બળવત્તર બની રહી છે. જો અને જ્યારે ઈયુમાંથી બહાર નીકળવાની કાર્યવાહી આરંભે તેની સાથે સ્કોટલેન્ડમાં ચૂંટણી કરાવવાનો તખતો પણ ઘડાઈ રહ્યો છે. પાર્લામેન્ટમાં બ્રિટનને ઈયુમાંથી બહાર નીકળવાનો કોઈ ખરડો આવે ત્યારે તેને અટકાવવા તમામ પ્રયાસો કરવા સ્કોટિશ અને લંડન લેબર પાર્ટીના સાંસદો વચ્ચે સહમતિ સધાયાનો સંકેત પણ સ્ટર્જને આપ્યો હતો. સ્કોટલેન્ડ છેલ્લા ૩૦૦ વર્ષથી બ્રિટનની સાથે છે. પ્રથન આઝાદી રેફરન્ડમમાં ૨૦ લાખ લોકોએ બ્રિટન સાથે જોડાઈ રહેવાનો મત દર્શાવ્યો હતો, પરંતુ ઈયુના મુદ્દે પરિસ્થિતિ બદલાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter