સ્કોટલેન્ડ સાવધાની સાથે કોરોના લોકડાઉન નિયંત્રણો ઉઠાવવાની દિશામાં આગળ વધ્યું

Thursday 28th May 2020 00:18 EDT
 
 

લંડનઃ સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જન કોરોના લોકડાઉન હળવું કરવાની દિશામાં ભારે સાવધાની સાથે આગામી ગુરુવારથી પ્રથમ તબક્કામાં આગળ વધી રહ્યાં છે. આનંદપ્રમોદના સ્થળોએ જવાં પાંચ માઈલના અંતરનું નિયંત્રણ રખાયું છે પરંતુ, સ્નેહીજનોને મળવા પ્રવાસના અંતરની મર્યાદા નડશે નહિ. જો કોરોના વાઈરસનો ઉછાળો નહિ આવે તો શાળાઓ ૧૧ ઓગસ્ટથી ખોલવાની યોજના છે. આગામી સપ્તાહથી ડ્રાઈવ-થ્રુ ફૂડ આઉટલેન્સને ખુલવા મંજૂરી ઉપરાંત, કેટલાક આઉટડોર બિઝનેસીસ પણ ખુલશે. સ્ટર્જને અર્થતંત્ર ખુલ્લું મૂકાઈ રહ્યું છે ત્યારે વર્કર્સને ચાર દિવસના સપ્તાહની સવલત આપવાની પણ બિઝનેસીસને અપીલ કરી છે. સ્કોટિશ સરકાર નિયંત્રણો ઉઠાવાય તે પછી પણ ‘સ્ટે એટ હોમ’ના સંદેશાને વળગી રહેશે.

અન્ય તબક્કાઓ માટે ચોક્કસ તારીખો જાહેર કરાઈ નથી પરંતુ, શાળાઓ ત્રીજા તબક્કામાં ખુલશે તેવી ધારણા છે. બીજા તબક્કામાં લોકોને બહોળી સંખ્યામાં બહાર મળવાની છૂટ અપાશે તેમજ બિયર ગાર્ડન્સ અને બહારના ખાણીપીણી વિસ્તારોમાં પણ જઈ શકાશે. આ તબક્કો જુલાઈમાં હોવાની શક્યતા છે.

નિકોલા સ્ટર્જને જાહેરાત કરી છે કે સ્કોટલેન્ડના લોકો આનંદપ્રમોદ માટે તેમના ઘેરથી પાંચ માઈલ કરતા વધુ અંતરનો પ્રવાસ ખેડી શકશે નહિ. લોકો નવી આઝાદીનો દુરુપયોગ કરી સૌંદર્યધામો અને સમુદ્રીતટો પર ઉમટી પડે નહિ તે માટે આ પગલું લેવાયું છે.ઈંગ્લેન્ડ કરતાં આ તદ્દન અલગ પગલું છે. ઈંગ્લેન્ડના લોકો સ્કોટલેન્ડ અને વેલ્શની સરહદોમાં પ્રવેશ્યા વિના ગમે તેટલા અંતરે જઈ શકે છે. મિસ સ્ટર્જને લોકોને સાવધાની રાખવા જણાવતા કહ્યું હતું કે બુધવારે પોર્ટોબેલ્લો બીચ પર લોકોની ભારે ભીડ જોઈ તેમને રડવાની લાગણી થઈ હતી.

અલગ ઘરના મિત્રો અને પરિવાર બહાર અને ગાર્ડન્સમાં મુલાકાત કરી શકશે પરંતુ, બે મીટરનું અંતર જાળવવું આવશ્યક રખાયું છે. અલગ અલગ પરિવારો કે મિત્રોને મળવાની સંખ્યા પર કોઈ પાબંદી નથી પરંતુ, મુલાકાતનો સમય અલગ રાખવો પડશે. ઈંગ્લેન્ડમાં પરિવારથી અલગ એક જ વ્યક્તિને કોઈ ચોક્કસ સમયે મળવાની જ છૂટ છે.

ફર્સ્ટ મિનિસ્ટર મિસ સ્ટર્જનના પ્લાન હેઠળ સ્કોટિશ શાળાઓ ૧૧ ઓગસ્ટથી ખોલી શકાશે. જુલાઈના આરંભે શરુ થતી ઉનાળાની રજાઓ પહેલા નવા સેશનની તૈયારી કરવા શિક્ષકો જૂન મહિનાથી ક્લાસીસમાં પાછા ફરશે. બાળકોને શાળામાં પાર્ટ-ટાઈમ જ જવાનું રહેવાથી વર્કિંગ પેરન્ટ્સ પર બાળસંભાળનું દબાણ વધી જવાની શક્યતા છે.

ડ્રાઈવ-થ્રુ ફૂડ આઉટલેન્સને ખુલવા મંજૂરી અપાઈ છે અને કેટલાક આઉટડોર બિઝનેસીસ પણ આગામી સપ્તાહથી ખુલશે. ઉનાળાના મહિનાઓમાં બિયર ગાર્ડન્સ અને આઉટડોર રેસ્ટોરાં ખુલ્લાં કરાશે. જોકે, કાફે સુવિધા જેવી ઈન્ડોર ફેસિલિટીઝ હજું ખુલવા નહિ દેવાય. ફર્સ્ટ મિનિસ્ટરે કહ્યું છે કે વર્કર્સ માટે ચાર દિવસના વર્કિંગ સપ્તાહની વિચારણા કરવી જોઈએ. મહામારીના કારણે લાખો લોકોના રુટિનમાં ફેરફાર થયો છે ત્યારે કામકાજની નવી પદ્ધતિઓ અમલી બનાવવી જોઈએ. તેમણે દરેક નાગરિક માટે યુનિવર્સલ બેઝિક ઈન્કમની તરફેણ કરી છે પરંતુ, આ કાયદો બનાવવો યુકે સરકારના હાથમાં છે.

સ્કોટલેન્ડની કન્સ્ટ્રક્શન કંપનીઓની સાઈટ્સ પર ઝડપી કામકાજ ચાલુ નહિ કરાય અને સલામતીની અગમચેતી રખાશે. ઈંગ્લેન્ડમાં લોકડાઉન દરમિયાન પણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કન્સ્ટ્રક્શન કામકાજ ચાલુ રખાયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter