લંડનઃ સ્કોટિશ નેશનલ પાર્ટી (SNP)ના નેતા અને સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર પદે હેલ્થ સેક્રેટરી હમઝા યુસુફની વરણી કરવામાં આવી છે. તેઓ છેલ્લા નવ વર્ષથી પક્ષનું સુકાન સંભાળી રહેલાં નિકોલા સ્ટર્જનના અનુગામી બનશે. એસએનપીના નેતાપદે હમઝા યુસુફની વરણી બ્રિટનના રાજકારણમાં એશિયન સમુદાયનું વધતું પ્રભુત્વ દર્શાવે છે. બ્રિટનનું વડા પ્રધાન પદ ભારતવંશી રિશી સુનાક સંભાળી રહ્યા છે, અને હવે બીજા એશિયન નેતા સ્કોટલેન્ડના શાસક પક્ષનું નેતૃત્વ કરશે.
2014થી પાર્ટીના નેતાપદે રહેલાં મિસ સ્ટર્જન સહિત એસએનપીના મોટા ભાગના નેતાઓ માટે 37 વર્ષીય યુસુફ હમઝા પસંદગીના અને કેટ ફોર્બસ અને એશ રીગનની સરખામણીએ સૌથી અનુભવી ઉમેદવાર હતા. તેઓ 2012થી સરકારમાં છે તેમજ જસ્ટિસ સેક્રેટરી અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર સહિતની ભૂમિકા ભજવેલી છે. તેઓ વિદાય લઈ રહેલા સ્ટર્જનની સ્કોટલેન્ડની આઝાદી સહિતની નીતિઓને આગળ ધપાવશે તેવી આશા સેવાય છે. એક માત્ર હમઝા યુસુફ મિસ સ્ટર્જનનાં વિવાદિત જેન્ડર રેક્ગ્નિશન સુધારા પર પ્રતિબંધ લાદવાના યુકે સરકારના પગલાને પડકારવાની અને કોર્ટમાં જવાની પણ જાહેરાત કરી હતી. જોકે, આગામી ચૂંટણીનો ઉપયોગ વાસ્તવિક રેફરન્ડમ તરીકે કરવાની સ્ટર્જનની નીતિથી અળગા રહેલા હમઝાએ જણાવ્યું હતું કે તેઓ આઝાદીની તરફેણમાં સતત બહુમતીના નિર્માણ માટે કામ કરશે.


