લંડન
સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટરજિઓને અચાનક રાજીનામુ આપી દેતાં સ્કોટિશ નેશનલ પાર્ટીમાં ભારે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 20 વર્ષમાં પહેલીવાર સ્કોટિશ નેશનલ પાર્ટીમાં લીડરશિપ માટેની ચૂંટણી યોજાશે. એડિનબરોમાં ઉતાવળે બોલાવાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રાજીનામાની જાહેરાત કરતાં સ્ટરજિઓને જણાવ્યું હતું કે, હવે મારામાં આ મહત્વની જવાબદારી નિભાવવાની શક્તિ રહી નથી. મને લાગે છે કે રાજીનામુ આપી દેવાનો અને હવે રાજનીતિથી અળગા થઇને અન્ય ક્ષેત્રમાં કારકિર્દીમાં આગળ વધવાનો આ યોગ્ય સમય છે. નિકોલા સ્ટરજિઓન સ્કોટલેન્ડના પ્રથમ મહિલા ફર્સ્ટ મિનિસ્ટર હતા અને તેમણે આઠ વર્ષના સૌથી લાંબા સમયગાળા માટે સ્કોટલેન્ડને નેતૃત્વ પુરું પાડ્યું હતું.
નિકોલાએ જણાવ્યું હતું કે, ફર્સ્ટ મિનિસ્ટર તરીકે તમારે 24 કલાક કામ કરતા રહેવું પડે છે અને આ ઉંમરમાં તમારી કોઇ પ્રાઇવસી રહેતી નથી. તમે એક સામાન્ય માનવી તરીકેની જિંદગી જીવી શક્તાં નથી. આધુનિક રાજનીતિ વધુ ક્રુર બની ગઇ છે. તેના કારણે તમે તથા તમારી નિકટની વ્યક્તિઓ ભોગ બનો છો.
નિકોલાએ જણાવ્યું હતું કે, સ્કોટલેન્ડ નેશનલ એક્ઝઇક્યુટિવને નવા નેતાની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવા જણાવી દેવાયું છે. મારા અનુગામી પસંદ થાય ત્યાં સુધી હું હોદ્દાને સંભાળીશ. સ્કોટલેન્ડ નેશનલ પાર્ટીમાં છેલ્લે 2004માં લીડરશિપની ચૂંટણી કરાઇ હતી.
ભારતમાં ઉછરેલા કેટ ફોર્બ્સ નિકોલાના અનુગામી બનવાના પ્રબળ દાવેદાર
સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટરપદે નિકોલા સ્ટરજિઓનના અનુગામી તરીકે કેટ ફોર્બ્સ ચૂંટાઇ આવે તેવી પ્રબળ સંભાવના છે. ચુસ્ત ખ્રિસ્તી એવા કેટ ફોર્બ્સનો ઉછેર ભારતમાં ખ્રિસ્તી મિશનેરીઓ દ્વારા કરાયો હતો. હાલ કેબિનેટમાં સેક્રેટરી ફોર ફાઇનાન્સ એન્ડ ઇકોનોમીનો હોદ્દો ધરાવતા 32 વર્ષીય કેટ ફોર્બ્સ સ્કોટિશ સરકારમાં બીજા ક્રમના સૌથી કદાવર નેતા ગણાય છે. તેઓ લીડરશિપની રેસમાં ઝંપલાવવા તૈયાર છે. કેટે જણાવ્યું હતું કે, હું 10 વર્ષની હતી ત્યારે મને ભારત લઇ જવાઇ હતી. પંજાબના લુધિયાણાની શાળામાં મેં ભારતીય બાળકો સાથે અભ્યાસ શરૂ કર્યો હતો. મારા માતાપિતા મિશનેરી હતા. મારા પિતા મિશનેરી કાર્યની સાથે મિશન હોસ્પિટલોમાં એકાઉન્ટન્ટ તરીકે સેવાઓ આપતા હતા. હું 11 વર્ષની હતી ત્યારે 2001માં ગુજરાતમાં આવેલા ભયાનક ભૂકંપથી ઘણી ભયભીત બની હતી. 15 વર્ષની વયે હું યુકે પરત ફરી હતી.
હમઝા યુસુફ ફર્સ્ટ મિનિસ્ટર પદની રેસમાં ઝંપલાવશે
સ્કોટલેન્ડના આરોગ્ય મંત્રી હમઝા યુસુફ પણ સ્કોટિશ નેશનલ પાર્ટીના નેતા અને ફર્સ્ટ મિનિસ્ટર પદની રેસમાં ઝંપલાવવાની તૈયારી કરી રહ્યા છે. નિકોલા સ્ટર્જિઓનના રાજીનામા બાદ આ રેસમાં ઝંપલાવવાની જાહેરાત કરનારા હમઝા પ્રથમ નેતા છે. તેમણે જણાવ્યું હતું કે, સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર બનવા માટે હું મારી ઉમેદવારીની જાહેરાત કરું છું. હમઝા યુસુફ 2011થી સ્કોટલેન્ડની સંસદમાં સાંસદ તરીકે સેવા આપી રહ્યા છે. આ સમયગાળામાં તેમણે ઘણા મંત્રાલયોમાં પણ ફરજ બજાવી છે.


