લંડનઃ સ્કોટલેન્ડના સૌપ્રથમ એશિયન મૂળના ફર્સ્ટ મિનિસ્ટર હમઝા યુસુફને સોશિયલ મીડિયા પર રેસિસ્ટ ધમકીઓ આપવામાં આવી રહી છે. યુકેના વીડિયો શેરિંગ પ્લેટફોર્મ બિટક્યુટ પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં હમઝા યુસુફને લક્ષ્યાંક બનાવવામાં આવ્યા છે. પોલીસે આ મામલામાં તપાસ શરૂ કરી છે. હમઝા યુસુફે જણાવ્યું હતું કે, વીડિયો પ્લેટફોર્મ પરથી આ કન્ટેન્ટ તાત્કાલિક હટાવી લેવામાં આવશે તેવી આશા હું રાખુ છું. કેટલાક વીડિયોમાં મુસ્લિમ પર હુમલા કરવાની પણ ધમકી અપાઇ છે.
ફર્સ્ટ મિનિસ્ટરે જણાવ્યું હતું કે, દુર્ભાગ્યે દુઃખદ વાસ્તવિકતા એ છે કે આ પ્રકારના રેસિસ્ટ, ઇસ્લામને ધિક્કારતા વીડિયોથી મને જરાપણ આઘાત લાગ્યો નથી. ઓનલાઇન ધમકીઓ મારા જીવનનો હિસ્સો બની ગઇ છે. પરંતુ દેશે આ પ્રકારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા તમામ પ્રયાસ કરવા જોઇએ.
હમઝા યુસુફે જણાવ્યું હતું કે, નુકસાનકારક કન્ટેન્ટથી જનતાને રક્ષણ આપવાની જવાબદારી યુકે સ્થિત કંપનીઓની છે. હું આશા રાખું છું કે આ વાંધાજનક કન્ટેન્ટ તાત્કાલિક હટાવી લેવામાં આવશે. આ પ્રકારની ધમકીઓ મને મારું કામ કરતાં કે મને સત્ય કહેતાં અટકાવી શકશે નહીં.


