લંડનઃ સ્કોટલેન્ડ સરકાર કોરોના વાઈરસ મહામારીનો સામનો કરવાની કામગીરી બાબતે આ વર્ષના અંતથી જ આગવી પબ્લિક ઈન્ક્વાયરીની શરૂઆત કરશે. જાહેર તપાસના ટર્મ્સ ઓફ રેફરન્સ નક્કી કરવા માટે મુસદ્દાના હેતુઓ અને સિદ્ધાંતો માટે મત માગવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સરકાર દ્વારા કોવિડ-૧૯ મહામારીની કામગીરીના મુદ્દે સમગ્ર યુકેને આવરી લેતી સ્વતંત્ર પબ્લિક ઈન્ક્વાયરીની જાહેરાત કરી હતી પરંતુ, તેઓ આ માટે ૨૦૨૨ના સ્પ્રિંગ સુધી રાહ જોશે તેમ પણ જણાવ્યું હતું.
યુકેના ચાર દેશોથી વહેલા પોતાની આગવી ઈન્ક્વાયરીની જાહેરાત કરતા સ્કોટિશ સરકારના ડેપ્યુટી ફર્સ્ટ મિનિસ્ટર જ્હોન સ્વિનીએ જણાવ્યું હતું કે ભવિષ્ય માટે બોધપાઠ શીખી શકાય તે માટે સ્કોટલેન્ડમાં મહામારી સામે પ્રતિભાવના પ્રાથમિક તબક્કાઓમાં જ સરકારી કામગીરી મુદ્દે જાહેર તપાસ અંગે અમારી પ્રતિબદ્ધતા રહી છે. કોવિડ-૧૯ના મૃતકોના શોકાતુર પરિવારો સહિત વિવિધ હિસ્સેદારો પાસેથી માહિતી માગવામાં આવી છે. કોવિડ-૧૯ બીરેવ્ડ ફેમિલીઝ ફોર જસ્ટિસ ગ્રૂપની સ્કોટિસ શાખાએ આ નિર્ણયને આવકાર આપ્યો છે.
જ્હોન્સને મહામારીમાં સરકારી કામગીરી મુદ્દે સ્વતંત્ર જાહેર ઈન્ક્વાયરી ૨૦૨૨ના સ્પ્રિંગ સુધીમાં કરાવવાની જાહેરાત કરી છે પરંતુ, તે વહેલી કરાવવા તેમના પર દબાણ વધી રહ્યું છે. વડા પ્રધાને દાવો કર્યો હતો કે તેઓ આ શિયાળામાં NHS અને અન્યોએ તપાસમાં જુબાની-સાક્ષી આપવા આવવું પડે તેવું વધારાનો તણાવ ઉભો કરવા માગતા નથી. જ્હોન્સને સાંસદોને જણાવ્યું હતું કે ઈન્ક્વાયરી તે સમયે લેવાયેલા નિર્ણયોની તપાસ કરશે અને ભવિષ્યમાં તફાવત લાવી શકે તેવા ચાવીરુપ મુદ્દાઓની ઓળખ કરશે.