સ્કોટલેન્ડની આઝાદીના જનમતસંગ્રહો પર બ્રિટિશ સુપ્રીમની બ્રેક

સ્કોટ સંસદને બ્રિટિશ સંસદની પરવાનગી વિના જનમતસંગ્રહનો અધિકાર નથી – સુપ્રીમ કોર્ટ

Wednesday 30th November 2022 05:59 EST
 
 

લંડન

સ્કોટલેન્ડની આઝાદી માટે હાથ ધરાતા જનમતસંગ્રહો પર બ્રેક લગાવતા એક ચુકાદામાં બ્રિટનની સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, વેસ્ટમિન્સ્ટરની પરવાનગી વિના સ્કોટલેન્ડની સંસદ સ્વતંત્રતા માટે બીજો સ્વતંત્ર જનમતસંગ્રહ યોજી શકે નહીં. ઐતિહાસિક ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટના પ્રેસિડેન્ટ લોર્ડ રીડે જણાવ્યું હતું કે, સ્કોટલેન્ડની આઝાદી માટે જનમતસંગ્રહ યોજવાનો અધિકાર સ્કોટલેન્ડની સંસદ પાસે નથી. આ મામલો યુનાઇટેડ કિંગડમની એકતાના ભવિષ્યનો હોવાથી તેના પર બ્રિટનની સંસદ જ નિર્ણય લઇ શકે. એસએનપી દ્વારા કરાયેલી દલીલોને પણ લોર્ડ રીડે નકારી કાઢી હતી. એસએનપીએ તેની દલીલમાં જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે સ્કોટલેન્ડની સંસદને જાતે નિર્ણય કરવાનો અધિકાર છે. લોર્ડ રીડે જણાવ્યું હતું કે, બંને સરકારો વચ્ચે આ મામલે કોઇ જ કરાર થયેલો નથી તેથી સ્કોટલેન્ડની સંસદને આ પ્રકારના જનમતસંગ્રહ  કરાવવાનો કોઇ અધિકાર નથી.

સ્કોટિશ લોકશાહીનો નકાર કરી શકાશે નહીં – નિકોલા સ્ટરજિઓન

સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટરજિઓને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ જણાવ્યું હતું કે, સ્કોટિશ લોકશાહીનો નકાર કરી શકાશે નહીં. સુપ્રીમ કોર્ટના ચુકાદાએ સ્કોટલેન્ડની આઝાદીના અવાજને સાંભળવાનો એક માર્ગ બંધ કરી દીધો છે પરંતુ લોકશાહીના અવાજને દબાવી શકાશે નહીં. હું સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સન્માન કરું છું પરંતુ બ્રિટનની સંસદ સ્કોટલેન્ડની જનતાની ઇચ્છાની અવમાનના કરી રહી છે. નિકોલાએ જણાવ્યું હતું કે, મારી સરકાર આગામી સંસદીય ચૂંટણીને જનમતસંગ્રહ તરીકે ગણતરીમાં લેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter