લંડનઃ પોતાની સ્કોટિશ શીખ ઓળખની શોધ ચલાવી રહેલી આર્ટિસ્ટ જસલીન કૌરને ગયા સપ્તાહમાં યુકેના પ્રતિષ્ઠિત ટર્નર પ્રાઇઝથી સન્માનિત કરાઇ હતી. જસલીનને લંડનમાં ટેટ બ્રેટન ગેલેરી ખાતે આયોજિત સમારોહમાં એક્ટર જેમ્સ નોર્ટનના હસ્તે આ સન્માન અપાયું હતું. પુરસ્કાર પેટે જસલીનને 25000 પાઉન્ડ મળ્યા હતા.
જસલીન પેલેસ્ટાઇન સમર્થક છે. પુરસ્કાર સમારોહ સ્થળની બહાર પેલેસ્ટાઇન સમર્થકોએ દેખાવ કર્યા હતા. જસલીન કહે છે કે ગાઝામાં ઇઝરાયેલ સાથે સંકળાયેલા દાતાઓ સાથે બ્રિટિશ આર્ટ મ્યુઝિયમોએ સંબંધો તોડી નાખવા જોઇએ. તેણે જણાવ્યું હતું કે, આ કોઇ કટ્ટરવાદી માગ નથી. યુદ્ધના કારણે કલાકારોની સુરક્ષા અને કારકિર્દી જોખમમાં મુકાવી જોઇએ નહીં. ગાઝામાં યોગ્ય યુદ્ધવિરામની જરૂર છે.
જસલીનના પુરસ્કાર વિજેતા પ્રદર્શનમાં શિલ્પ કલાકૃતિઓ, પ્રિન્ટ અને પારિવારિક તસવીરો, ફોર્ડ એસ્કોર્ટ કાર અને લોકપ્રિય સ્કોટિશ સોડા ઇર્ન બ્રુ, શીખ સમુદાય સાથે સંકળાયેલ સંગીતનો સમાવેશ થતો હતો.


