સ્કોટલેન્ડની પેટાચૂંટણીમાં સ્કોટિશ લેબર પાર્ટીના ડેવી રસેલનો વિજય

એસએનપી અને રિફોર્મ યુકેને હેમિલ્ટન-લાર્કહાલ-સ્ટોનહાઉસની બેઠક પર ફટકો

Tuesday 10th June 2025 11:45 EDT
 
 

લંડનઃ સ્કોટલેન્ડમાં હેમિલ્ટન, લાર્કહાલ એન્ડ સ્ટોનહાઉસની પેટાચૂંટણીમાં સ્કોટિશ લેબર પાર્ટીએ એસએનપી અને રિફોર્મ યુકેને પછડાટ આપી છે. જાહેર થયેલા પરિણામ અનુસાર સ્કોટિશ લેબર પાર્ટીના ડેવી રસેલનો 602 મતની સરસાઇથી વિજય થયો હતો. ડેવી રસેલને 8559 મત, એસએનપીના કેટી લોઉડનને 7957 મત અને રિફોર્મ યુકેના રોસ લેમ્બીને 7088 મત પ્રાપ્ત થયાં હતાં. પેટાચૂંટણીમાં 44.2 ટકા મતદાન થયું હતું.

પરિણામ જાહેર થયા બાદ ડેવી રસેલે જણાવ્યું હતું કે, મારા વતન અને સમુદાય માટે એમએસપી તરીકે ચૂંટાઇ આવવાનું મને ગૌરવ છે. મતદારોએ સ્કોટિશ લેબર સાથે નવી દિશામાં આગળ વધવાનું પસંદ કર્યું છે. હેમિલ્ટન-લાર્કહાલ- સ્ટોનહાઉસના મતદારોની જેમ સમગ્ર સ્કોટલેન્ડમાં જનતા એસએનપીથી નારાજ છે. છેલ્લા બે દાયકાથી સત્તામાં રહેલી એસએનપીને વધુ તકનો હક નથી. આ પરિણામે નાઇજલ ફરાજ અને તેમની ટોળાશાહીને પણ જવાબ આપી દીધો છે.

સ્કોટિશ લેબર નેતા અનસ સરવરે જણાવ્યું હતું કે, અમે ચૂંટણી નિષ્ણાતોને ખોટા સાબિત કર્યાં છે. મને લાગે છે કે જનતાએ હવે મન બદલવાની જરૂર છે. વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, સ્કોટલેન્ડની જનતાએ ફરી એકવાર બદલાવ માટે મતદાન કર્યું છે.

સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર અને એસએનપીના નેતા જ્હોન સ્વિનીએ જણાવ્યું હતું કે, કેટી લાઉડને સારો દેખાવ કર્યો છે પરંતુ અમારે હજુ વધુ કામ કરવાની જરૂર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter