
જોકે, ૧૯૯૯માં સ્કોટિશ પાર્લામેન્ટની રચના પછી બંધારણમાં થયેલી સૌથી મોટી ઉથલપાથલના ભાગરૂપે લેવાયેલા આ પગલાથી યુનાઈટેડ કિંગ્ડમના ભાવિ માટે નવી ચિંતા એ સર્જાશે કે સ્કોટલેન્ડની વધુ સ્વાયત્તતા તેને સ્વાતંત્ર્ય ભણી દોરી જશે કે શું? ઐતિહાસિક જનમતના બે દિવસ પૂર્વે જ વડા પ્રધાન ડેવિડ કેમરન, નાયબ વડા પ્રધાન અને લિબ ડેમના નેતા નિક ક્લેગ અને લેબર પાર્ટીના વડા એડ મિલિબેન્ડે સ્કોટિશ મતદારોને વચન આપ્યુ હતું કે જો તેઓ સ્વતંત્રતાને ફગાવી દેશે તો તેમને વધુ સત્તા અને અધિકારો આપવામાં આવશે. વડા પ્રધાને સુધારાને સમર્થન આપવા સાથે સ્પષ્ટ કર્યું હતું કે ‘ઈંગ્લિશ કાયદાઓ માટે ઈંગ્લિશ મતદાન’ હવે અનિવાર્ય બની જશે.
મે-૨૦૧૫માં યોજાનારી આગામી સામાન્ય ચૂંટણીમાં કયો પક્ષ વિજયી બનશે તેને ધ્યાનમાં લીધાં વિના સૂચિત નવી સત્તા યુકે સરકાર દ્વારા ઘડાનારા નવા કાયદાનો આધાર બનશે. સ્કોટિશ પાર્લામેન્ટ તેના આગવા ઈન્કમ ટેક્સ બેન્ડ્સને લાગુ કરી શકશે અને તેમાંથી થનારી તમામ આવક પોતાની પાસે રાખી શકશે તેવી ભલામણ સ્મિથ કમિશને કરી છે. આમ છતાં, ટેક્સ ફ્રી ‘પર્સનલ એલાવન્સ’ની બાબત, ઈન્વેસ્ટમેન્ટ્સ પરના ઈન્કમ ટેક્સ, ડિવિડન્ડ્સ અને સેવિંગ્સ સંબંધિત બાબતો યુકે મિનિસ્ટર્સ હસ્તક રહેશે.
એર પેસેન્જર ડ્યૂટીની સત્તા સ્કોટલેન્ડને અપાશે. પરિણામે સ્કોટિશ પરિવારોના રજાઓ ગાળવાના ખર્ચમાં ઘટાડો થશે. રેલવે અંગેના નવા અધિકારો મળવાથી સ્કોટરેલને જાહેર ક્ષેત્રમાં મૂકવાનો માર્ગ મોકળો બનશે. બીજી તરફ, સ્કોટલેન્ડને વેટની સંપૂર્ણ સત્તા નહિ, પરંતુ તેમાંથી પ્રાપ્ત આવકનો ચોક્કસ હિસ્સો જ મળશે કારણ કે ઈયુ કાયદા અન્વયે દરેક સભ્ય રાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રમાં એકસમાન દરે વેટ લાગુ કરવાનો રહે છે.
સ્કોટિશ પાર્લામેન્ટના સભ્યો જાહેર સેવા પાછળ જે રકમ ખર્ચશે તેની આશરે ૫૦ ટકા રોકડ રકમ ઉઘરાવવા માટે જવાબદાર ગણાશે. સ્કોટિશ સરકાર કાઉન્સિલ ટેક્સ અને બિઝનેસ રેટ્સના નિયંત્રણો હેઠળ અત્યારે તેના ૩૦ બિલિયન પાઉન્ડ બજેટના માત્ર ૧૫ ટકા રકમ ઉઘરાવે છે. મોટા ભાગના જાહેર ખર્ચનું ભંડોળ યુકે ટ્રેઝરી દ્વારા બ્લોક ગ્રાન્ટમાંથી પૂરું કરાય છે.
જોબ સિકર્સ એલાવન્સ, હાઉસિંગ બેનિફિટ, અક્ષમતા બેનિફિટ અને ચાઈલ્ડ ટેક્સ ક્રેડિટ સહિતના બેનિફિટ્સની યુકે સરકારની ‘યુનિવર્સલ ક્રેડિટ’ સિસ્ટમનો કારભાર વેસ્ટમિન્સ્ટર હસ્તક રહેશે. જોકે, સ્કોટિશ મિનિસ્ટર્સ ‘બેડરૂમ ટેક્સ’ જેવી નીતિઓને અસરકારક રીતે નાબૂદ કરવા વધારાના બેનિફિટ્સ આપી શકશે. અગાઉ એબોર્શન કાયદો સંપૂર્ણપણે સ્કોટલેન્ડ હસ્તક સોંપવાની વિચારણા થઈ હતી, પરંતુ ગર્ભાવસ્થાનો અંત લાવવા વર્તમાન ૨૪ સપ્તાહની મર્યાદા સ્કોટલેન્ડ બદલી શકે કે કેમ તે અંગે જાહેર પરામર્શ લેવાય તેવી શક્યતા છે.