લંડનઃ ભારે બહુમતી સાથે સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટરપદે ચૂંટાઈ આવવા તરફ આગળ વધી રહેલાં નિકોલા સ્ટર્જને નવો વિવાદ છેડ્યો છે. ચૂંટણીઓમાં આઝાદીની તરફેણમાં સમર્થન યથાવત જણાશે તો પાંચ વર્ષમાં સ્કોટલેન્ડમાં બીજો જનમત લેવાવો જોઈએ તેમ ચૂંટણી પૂર્વેની એક ચર્ચામાં તેમણે કહ્યું હતું. અગાઉ, ફર્સ્ટ મિનિસ્ટર સ્ટર્જને ૨૦૧૪ના રેફરન્ડમને જીવનકાળમાં આખરી ગણાવ્યો હતો.
ગુરુવાર, પાંચ મેની ચૂંટણીના મેનિફેસ્ટોમાં સેકન્ડ રેફરન્ડમનો સમાવેશ કરાયો ન હોવાં છતાં સ્કોટિશ નેશનલ પાર્ટી (SNP) ઉનાળામાં આઝાદી અભિયાનના પુનઃ આરંભની યોજના ધરાવે છે. અભિયાન ફરી શરુ કરવા સામે વિરોધ હોવાં છતાં સ્ટર્જને જણાવ્યું હતું કે આઝાદી સફળ બનશે તેવા પૂરાવા જણાય તો બીજો જનમત લેવાનું પગલું લોકશાહીવાદી જ ગણાશે. સ્ટર્જને જણાવ્યું હતું કે તેઓ વિવિધ ઓપિનિયન પોલ્સમાં આઝાદીની તરફેણમાં જળવાયેલાં ટેકા માટે નજર રાખશે. પોતાને આઝાદીના આજીવન હિમાયતી ગણાવતાં સ્ટર્જને બીબીસીના ઈન્ટર્વ્યુમાં વચનભંગના દાવાઓ ફગાવી દીધાં હતાં.
ચૂંટણી પૂર્વેની ઉગ્ર ચર્ચામાં સ્કોટિશ કન્ઝર્વેટિવ નેતા રુથ ડેવિડસને ૨૦૧૪ના રેફરન્ડમને જીવનકાળમાં આખરી ગણાવતું વચન તોડવાનો આક્ષેપ સ્ટર્જન સામે લગાવ્યો હતો. અભિપ્રાય મતદાનોમાં ડેવિડસન વિપક્ષના નેતાપદે ચૂંટાઈ આવે તેવી શક્યતા દર્શાવાઈ છે. લેબર પાર્ટીમાં અરાજકતાના પરિણામે કન્ઝર્વેટિવ પાર્ટી હોલીરુડમાં બીજા સ્થાને આવી શકે છે. સ્કોટિશ લેબર નેતા કેઝીઆ ડુગડેલે લોકોની આંખો પર પાટા બાંધવાનો આક્ષેપ સ્ટર્જન સામે લગાવ્યો હતો.


