લંડનઃ એક દાયકા કરતાં વધુ સમય પછી સ્કોટલેન્ડમાં યુરોપિયન યુનિયનના વિદ્યાર્થીઓ પાસેથી યુનિવર્સિટી ટ્યુશન ફી વસૂલવા નિર્ણય લેવાયો છે. શિક્ષણક્ષેત્રની કેશની કટોકટી હળવી કરવાના નિર્ણય સંદર્ભે યુનિવર્સિટીઝ સ્કોટલેન્ડ દ્વારા જણાવાયું હતું કે ઈયુ વિદ્યાર્થીઓ પાસેથી નવી આવક અને વાર્ષિક ૯૭ મિલિયન પાઉન્ડના ખર્ચમાં બચતથી ડીગ્રીની બેઠકો માટે જાહેર ભંડોળ નક્કર સ્વરુપ મેળવશે.
ચાર વર્ષ અગાઉ સ્કોટલેન્ડના ડેપ્યુટી ફર્સ્ટ મિનિસ્ટર જ્હોન સ્વીનીએ બ્રેક્ઝિટ પછી ઈયુ વિદ્યાર્થીઓ માટે મફત શિક્ષણનું રક્ષણ કરવા જાહેરાત કરી હતી જેમાં નાટ્યાત્મક વળાંક આવ્યો છે. કોરોના મહામારીના કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે ત્યારે સ્કોટિશ યુનિવર્સિટીઓને આગામી વર્ષથી ૬૫૧ મિલિયન પાઉન્ડની ખાધ ભોગવવી પડશે તેવા અહેવાલો છે. યુનિવર્સિટીઝ સ્કોટલેન્ડે જણાવ્યું હતું કે ઈયુ વિદ્યાર્થી અંગેના નિર્ણય યુરોપતરફી મિનિસ્ટર્સ માટે મુશ્કેલ રહેશે જેઓ, એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ફરીથી ઈયુ સાથે જોડાઈ શકાશે તેવી આશા ધરાવે છે.
યુનિવર્સિટીઓએ લાંબા સમયથી ફરિયાદ કરી હતી કે તેઓ સ્કોટિશ નેશનલ પાર્ટીની મુખ્ય પોલિસીની કિંમત ચૂકવી રહ્યા છે. સ્કોટિશ અને યુરોપિયન વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના ખર્ચ સાથે સરકારના ભંડોળનો મેળ બેસતો નથી. સ્કોટિશ સરકારને ઈયુ કાયદા હેઠળ યુરોપિયનોને મફત શિક્ષણ આપવાની ફરજ પડે છે. ઈંગ્લેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડના વિદ્યાર્થીઓ હંમેશા સ્કોટલેન્ડમાં ફી ચુકવતા રહ્યા છે. હાલ સ્કોટલેન્ડમાં વિદેશી વિદ્યાર્થીઓ વાર્ષિક ૯,૦૦૦થી ૩૦,૦૦૦ પાઉન્ડ વચ્ચેની રકમ ટ્યુશન ફી તરીકે ચૂકવે છે. જેઓ અભ્યાસ કરી રહ્યા છે અથવા આ ઓટમમાં અભ્યાસ શરુ કરશે.
સ્કોટિશ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા ઈયુ બહારના વિદ્યાર્થીઓની અકજીઓમાં ૩૦ જૂન સુધીમાં ૧૬ ટકાનો વધારો થયો છે. મહામારીના સમયને પણ આવરી લેતા જાન્યુઆરીથી જૂન સુધીના ગાળામાં ૪,૭૩૦ અરજી આવી હતી, જે ગત વર્ષે આ જ ગાળામાં ૩,૩૮૦ હતી અને તે ૪૦ ટકાનો વધારો સૂચવે છે. સ્કોટિશ વિદ્યાર્થીઓની ગયા વર્ષની ૪૭,૧૧૦ અરજીઓમાં નજીવો વધારો થઈ આ વર્ષે ૪૭,૨૫૦ અરજી આવી છે. ઈયુના વિદ્યાર્થીઓમાં બે ટકાનો ઘટાડો થયો છે.


