લંડનઃ સ્કોટલેન્ડની સંસદીય ચૂંટણીમાં સ્કોટિશ નેશનલ પાર્ટી (એસએનપી)એ સતત પાંચમીવાર જીત મેળવીને ઇતિહાસ તો રચ્યો છે પરંતુ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહી છે. સ્કોટિશ પાર્લામેન્ટની 73 બેઠકમાંથી એસએનપીને બહુમતી માટે જરૂરી 65 બેઠક કરતાં ઓછી એટલે કે 58 બેઠક પ્રાપ્ત થઇ હતી. આમ છતાં તે સ્કોટિશ સંસદમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે.
બીજીતરફ લેબર પાર્ટીને 17 અને રિફોર્મ યુકેને 17 બેઠક પ્રાપ્ત થઇ હતી જ્યારે સ્કોટિશ ગ્રીન્સે 15 બેઠક પર વિજય પ્રાપ્ત કર્યો હતો. લિબરલ ડેમોક્રેટ્સ 10 બેઠક જીતવામાં સફળ રહ્યાં હતાં. સૌથી નિરાશાજનક પરિણામ કન્ઝર્વેટિવ પાર્ટી માટે રહ્યાં છે કારણ કે તેણે મુખ્ય વિરોધ પક્ષનું સ્થાન ગુમાવી દીધું છે. પાર્ટીને ફક્ત 12 બેઠક પ્રાપ્ત થઇ છે. રિફોર્મ UK માટે સ્કોટલેન્ડમાં આ એક ઐતિહાસિક વિજય હતો જેમાં પાર્ટી 17 બેઠકો જીતીને લેબર પાર્ટીની બરાબરી પર પહોંચી ગઇ છે. સ્કોટિશ ગ્રીન્સ પાર્ટીએ પણ પોતાની બેઠકોની સંખ્યા 8 થી વધારીને 15 કરી છે.
એસએનપીના નેતા જ્હોન સ્વિનીએ જણાવ્યું હતું કે, એસએનપીએ સ્પષ્ટ અને મજબૂત જનાદેશ હાંસલ કર્યો છે. મારો ડાઉનિંગ સ્ટ્રીટને સંદેશ સ્પષ્ટ છે કે સ્કોટલેન્ડમાં લેબર પાર્ટીનો પરાજય થયો છે અને 19 વર્ષના શાસન પછી પણ જનતાએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે. આ ચૂંટણી પરિણામ બાદ હવે સ્કોટલેન્ડને યોગ્ય સન્માન મળવું જોઈએ."
સ્કોટિશ લેબર પાર્ટીના નેતા અનસ સરવરે પરિણામોને નિરાશાજનક અને મુશ્કેલ ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અમે પરિવર્તન માટે લડ્યા હતા, પરંતુ કમનસીબે રાષ્ટ્રીય લહેર સામે અમે ટકી શક્યા નથી. પરાજયની જવાબદારી સ્વીકારી રાજીનામું આપવાનો ઇનકાર કરતા તેમણે ઉમેર્યું હતું કે પક્ષને એકજૂથ રાખવો તે હવે મારી પ્રાથમિક જવાબદારી છે.
સ્કોટિશ પાર્લામેન્ટ પરિણામ (કુલ બેઠક – 73)
પાર્ટી – બેઠક પર વિજય – નફો કે નુકસાન
એસએનપી – 58 – 02 બેઠકનું નુકસાન
લેબર પાર્ટી – 17 – 03 બેઠકનું નુકસાન
રિફોર્મ યુકે – 17 – 16 બેઠકનો લાભ
ગ્રીન પાર્ટી – 15 – 07 બેઠકનો લાભ
કન્ઝર્વેટિવ – 12 – 16 બેઠકનું નુકસાન
લિબ ડેમ – 10 – 05 બેઠકનો લાભ


