લંડનઃ સ્કોટિશ ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને ક્રિસમસની ઉજવણીમાં લોકોને રાહત આપી છે પરંતુ, નવા વર્ષની ઉજવણી રદ કરી છે. નવા કોવિડ નિયંત્રણો ક્રિસમસ પછી અમલમાં આવશે જેમાં, મોટા પાયા પરના જાહેર જીવંત કાર્યક્રમોમાં મર્યાદાનો સમાવેશ થાય છે. લોકોને ૨૭ ડિસેમ્બરથી સોશિયાલાઈઝિંગ મર્યાદિત કરી ઘરમાં જ રહેવા સલાહ અપાશે.
બોરિસ જ્હોન્સન કોવિડ નિયંત્રણો અંગે અનિર્ણાયક છે અને કઈ તરફ જવું તેનો નિર્ણય કર્યા વિના વાડ પર બેસી રહ્યા છે. બીજી તરફ, સ્કોટલેન્ડમાં નિકોલા સ્ટર્જને નવા નિયંત્રણો લાદી દીધા છે જે આ મુજબ રહેશેઃ
• બોક્સિંગ ડેથી ત્રણ સપ્તાહ સુધી મોટા પાયા પરના જાહેર કાર્યક્રમોમાં દર્શકોને પરવાનગી નહિ મળે. ઈન્ડોર સ્ટેન્ડિંગ ઈવેન્ટ્સમાં હાજર રહેનારાની મહત્તમ સંખ્યા ૧૦૦ની રહેશે. ઈન્ડોર સીટિંગ ઈવેન્ટ્સ માટે ૨૦૦ તેમજ આઉટડોર ઈવેન્ટ્સ માટે ૫૦૦ લોકોની મર્યાદા રહેશે. લગ્ન જેવા ખાનગી જીવનના ઈવેન્ટ્સને આ નિયમો લાગુ પડશે નહિ પરંતુ, ફૂટબોલ મેચીસને તેની અસર પડશે. • જીવંત ભીડના કાર્યક્રમો પર નિયંત્રણનો અર્ત છે કે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ હોગમેનાય ઉજવણીઓ પર પ્રતિબંધ લાગી જશે. • આલ્કોહોલ પીરસનારી પબ્સ અને રેસ્ટોરાં ૨૭ ડિસેમ્બરથી ત્રણ સપ્તાહ સુધી માત્ર ટેબલ સર્વિસ પર આવી જશે.• ઈન્ડોર હોસ્પિટાલિટી અને લેઈઝરના સ્થળોએ વિવિધ જૂથના લોકો વચ્ચે એક મીટરનું સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું થશે • લોકોને ૨૭ ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી તેમના સામાજિક સંપર્કો મર્યાદિત રાખવા જણાવાશે


