લંડનઃ સ્કોટલેન્ડની ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ ટીમો દ્વારા ગ્લાસગોના પાંચ રેસ્ટોરન્ટ પર દરોડા પાડી 6 લોકોની ધરપકડ કરાઇ હતી. ધરપકડ કરાયેલા 4 પુરુષ અને 2 મહિલા પાસે યુકેમાં કામ કરવાનો કોઇ અધિકાર નહોતો અને તેઓ વિઝાની મુદત પુરી થયા છતાં યુકેમાં રોકાઇ ગયાં હતાં. ધરપકડ કરાયેલામાં ભારતીય, ઇરાકી, કોલંબિયન, સ્પેનિશ અને પોર્ટુગિઝ નાગરિકોનો સમાવેશ થાય છે. તમામ પાંચ રેસ્ટોરન્ટને સિવિલ પેનલ્ટી રેફરલ નોટિસ પાઠવાઇ છે અને જવાબદાર ઠરતાં માલિકોને દંડ ફટકારવામાં આવશે. બોર્ડર સિક્યુરિટી એન્ડ અસાયલમ મિનિસ્ટર ડેમ એન્જેલા ઇગલે જણાવ્યું હતું કે, સરકાર ગેરકાયદેસર કામદારોને સાંખી લેશે નહીં. અમે સિસ્ટમનો દુરુપયોગ કરી રહેલા સામે આકરી કાર્યવાહી કરી રહ્યાં છીએ.