લંડનઃ સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને સ્વતંત્રપણે લોકડાઉનને અંત લાવવાની રુપરેખા જાહેર કરી છે. જો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની ખાતરી આપશે તો બિઝનેસીસ ખોલી દેવાશે અને વિદ્યાર્થીઓ શાળામાં પરત આવી શકે તે માટે તેમને રીડિઝાઈન કરાશે. આમ છતાં, પબ્સ ખુલવામાં હજુ સમય લાગશે. સ્ટર્જને કહ્યું હતું કે વાઈરસ સામે જંગ અને અર્થતંત્ર વચ્ચે યોગ્ય સમતુલા જાળવવી જરુરી છે. જોકે, આ પગલાં તત્કાળ અમલી બનાવવા વિશે તેમણે કશું કહ્યું નથી.
સ્કોટિશ ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને યુકે સરકારથી સ્વતંત્રપણે કોરોના વાઈરસ નિયંત્રણો હળવાં કરવાનો સંકેત આપ્યો છે. સ્ટર્જને બ્લુપ્રિન્ટ જાહેર કરી છે જેમાં, રોગચાળાના સામના અને અર્થતંત્રના બચાવ વચ્ચે યોગ્ય સમતુલા જાળવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જીવન થોડા ઘણા અંશે સામાન્ય બનાવવાં લોકો સાથે તંદુરસ્ત ચર્ચાની તરફેણ કરતાં સ્ટર્જને કેટલાં નિયંત્રણો હળવાં કરી શકાય તે પણ જણાવ્યું છે. બિઝનેસીસે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની ખાતરી આપવી પડશે તેમજ શાળાઓ ખોલવા માટે વિદ્યાર્થીઓ વચ્ચે ઓછામાં ઓછું બે મીટરનું અંતર જળવાય તે રીતે ક્લાસરુમ્સને નવેસરથી ડિઝાઈન કરવા પડશે. જોકે, નિરાધાર લોકોને અમર્યાદિત સમય સુધી રક્ષણ ચાલુ રખાવા સાથે તેમણે જણાવ્યું હતું કે આગામી કેટલાક મહિના સુધી મોટાં મેળાવડા કે કાર્યક્રમોને પરવાનગી નહિ જ અપાય.
નોર્ધર્ન આયર્લેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર આર્લેન્ડ ફોસ્ટરે પણ યુકેના બાકીના વિસ્તારોની પહેલા જ લોકડાઉન હળવું બનાવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે કોઈ સમય કે નિશ્ચિત તારીખ નહિ પરંતુ, ચોક્કસ વૈજ્ઞાનિક અને જાહેર આરોગ્ય માપદંડોના આધારે આવો ઝડપી નિર્ણય લેવાશે. કોરોના કટોકટી મુદ્દે અત્યાર સુધી તો બધાં નિર્ણયો સમાન લેવાયાં છે પરંતુ, સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડ આગવા નિર્ણયો લઈ શકે છે જેનાથી, ઈંગ્લેન્ડ અને વેલ્સ જ રહે છે. આના પરિણામે, ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ પર લોકડાઉન ખોલવા મુદ્દે દબાણ વધી ગયું છે. ટોરી પાર્ટીના સાંસદો પણ આ બાબતે વિભાજીત છે.


